વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવું લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે.
મેઘરજ તાલુકામાં 24 કલાકમાં એક યુવતી અને વૃદ્ધને હૃદયરોગના હુમલામાં મોત નીપજતા સમગ્ર તાલુકામાં ફફડાટ ફેલાયો છે કંભરોડા ગામની 23 વર્ષીય યુવતી રાત્રિના સુમારે રાબેતા મુજબ પરિવારજનો સાથે જમી પરવારીને ઉંઘી ગઈ હતી સવારે યુવતી ઉંઘતી હોવાથી પરિવારજનોએ ઉઠાડવાનો પ્રયત્ન કરતા યુવતી નિશ્ચેત હાલતમાં જોવા મળતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા તાબડતોડ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડતા ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી વધુ એક ઘટનામાં જીતપુર ગામના 76 વર્ષીય વૃદ્ધને છાતીમાં દુખાવો ઊપડતા સારવાર અર્થે દવાખાને ખસેડતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું બે દિવસમાં એક યુવતી અને વૃદ્ધનું મોત થતાં સમગ્ર વિસ્તારના લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે