ચોમાસા દરમિયાન વાવાઝોડુ અને ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા, આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન બેઠક
કલેક્ટર પ્રશસ્તિ પારીકે કહ્યું : જીલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ રાબેતા મૂજબ શરૂ કરી દેવામાં આવશે આ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલું રાખવામાં આવશે
આફતના સમયે કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન
સંભવિત આફત બાદ આરોગ્ય, વીજળી, પાણી પૂરવઠો તાત્કાલિક મળી રહે તે માટેના સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યા
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક દ્વારા વહેલા ચોમાસાની આગાહીને ધ્યાને રાખીને પ્રિ-મોન્સુન તૈયારીને આખરી ઓપ આપવા માટે આજે અરવલ્લી જિલ્લાના તમામ સરકારી વિભાગોની મહત્વની બેઠક બોલાવી વાવાઝોડુ કે ભારે વરસાદ પડે તો શું પગલાં લેવા અને અન્ય સાવચેતીની કામગીરીની સુચના આપવામાં આવી હતી.
આ વખતે વહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી હોય ત્યારે પ્રિ-મોન્સુનની તૈયારીઓ શરૂ કરવા માટે આજે અરવલ્લી જિલ્લાના તમામ સરકારી વિભાગોની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.મોડાસા અને બાયડ પ્રાંત અધિકારીઓ,તમામ મામલતદારો,સિંચાઈ,પાણી પુરવઠા બોર્ડ,ડિઝાસ્ટર વિભાગ,આરોગ્ય વિભાગ ,પોલીસ તંત્ર, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, એસ.ટી.તંત્રના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં વહેલા ચોમાસાની આગાહીને ધ્યાને રાખીને પ્રિ મોન્સુનની તૈયારીઓ શરૂ કરવા ખાસ આદેશ આપ્યો છે.જિલ્લાના તરવૈયાઓની યાદી,બોટ તેમજ ઇમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ કરવામાં આવી. આ બેઠકમાં કલેક્ટરે મોડાસા અને બાયડ નગરપાલિકા, આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લામાં વરસાદી પાણીનો કોઈપણ સ્થળે ભરાવો ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમજ અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ ચેક ડેમોની ચકાસણી કરવી, જરૂર જણાય ત્યાં ચેક ડેમનું રિપેરીંગ કામ કરાવવું, આ ઉપરાંત કેનાલોની સફાઈ કામગીરી અને વાવાઝોડુ કે ભારે વરસાદ વચ્ચે વિજ પુરવઠો ન ખોરવાઈ તે માટે વીજ થાંભલા પાસે આવેલ ઝાડનું કટીંગ કરાવવું સહિતની સુચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત વરસાદના કારણે પાણી જન્ય રોગચાળામાં વધારો થતો હોય જેને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલમાં પાણી જન્ય રોગચાળા સામે પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવા આદેશ આપ્યો છે અને દવાનો સ્ટોક પણ પુરતો કરી લેવા ખાસ સુચના આપવામાં આવી છે. જ્યારે રોડ, રસ્તા, પુલ નદી નાળાની પણ ચકાસણી કરી લેવા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ખાસ સુચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસવડા,જિલ્લા વિકાસ અધિકારી,નિવાસી અધિક કલેક્ટર,પ્રાંત અધિકારીઓ,તમામ મામલતદારો તેમજ જિલ્લાના અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.