અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોડાસા શહેર સહિત ભિલોડા,માલપુર અને ધનસુરા તાલુકા મથકે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં આરોગ્ય અધિકારીઓ, કર્મીઓ અને આશા વર્કર બહેનો દ્વારા “મચ્છર ઉત્પત્તિ અટકાવો ડેન્ગ્યુ ભગાવો”ના સુત્રોચ્ચાર કર્યા હતા
અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મલેરિયા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય નિરીક્ષક અને મેડિકલ ઓફિસર કિશનગઢની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન ભિલોડા ખાતે કરવામાં આવ્યું હતું. ભિલોડા સબ સેન્ટર ખાતેથી રેલીની શરૂઆત કરી ભિલોડા મેઈન બજાર સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં “મચ્છર ઉત્પત્તિ અટકાવો ડેન્ગ્યુ ભગાવો” ના સુત્રોચાર સાથે રેલી ફરી હતી.ટીમ વર્કનું આયોજન કરીને ભિલોડાના રહેણાંક વિસ્તારોમાં સર્વેલન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભિલોડા તાલુકાના દરેક ગામોમાં પણ આરોગ્ય વિભાગના સ્ટાફ પરીવાર દ્વારા રેલી અને ગ્રુપ મિટિંગ કરી ડેન્ગ્યુ રોગ અટકાયત બાબતે ચર્ચા કરી સમજૂતી આપવામાં આવી હતી.