શહેરા,
મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાનના પ્રસિધ્ધ યાત્રાધામ રામદેવરા (રણુજા) ખાતે પગપાળા યાત્રાએ નીકળેલા ભાવિક ભકત સંજયકુમાર માલવી શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. રામદેવ પીરના પરમ ભક્ત એવા સંજયકૂમાર આ અગાઉ 6 વખત આ રીતે પગપાળા યાત્રા કરીને પોતાની અખુટ શ્રધ્ધા નું ઉત્તમ ઉદાહરણ પ્રગટ કર્યું છે. હાથમાં રામદેવ પીરના ચિત્ર વાળી ધજાઓ લઈને તેઓ રામદેવરા જઈ રહ્યા છે.
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા માણસને તેના મુકામ સુધી પહોચાડે છે. મહારાષ્ટ્રના નાસિક શહેરમાં રહેતા અને મુળ મધ્યપ્રદેશના સંજય કુમાર માલવી નાનો મોટો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સંજયકુમાર માલવી પોતે રામદેવપીરના પરમ ભક્ત છે. તેમના પ્રત્યે ખુબ જ શ્રધ્ધા ધરાવે છે. સંજયકુમાર દર વર્ષે રાજસ્થાનના રામદેવરા ખાતે આવેલા રામદેવપીરજીના સ્થાનકની અચુક મુલાકાત લે છે. તેઓ પોતાની ભક્તિ અનોખી રીતે પ્રગટ કરે છે. તેઓ દર વર્ષે ચાલીને રામદેવરા સુધીની 1400 કિલોમીટરની સફર ખેડે છે. આ અગાઉ તેઓ અલગ અલગ રૂટ પરથી રામદેવરા જઈ આવ્યા છે. અમદાવાદ રૂટ પરથી પણ રામદેવરા જઈ આવ્યા છે. આ વખતે તેમણે પંચમહાલ જીલ્લામાંથી પસાર થતા હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે માર્ગ પસંદ કર્યો છે. પોતાની પગપાળા યાત્રા દરમિયાન તેઓ પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવી પહોંચ્યા હતા.
સંજયકુમાર માલવી મેરા ગુજરાતને જણાવે છે કે મને રામદેવજી પ્રત્યે અતુટ શ્રધ્ધા અને વિશ્વાસ છે. હું તેમનો પરમ ભક્ત છુ. હું દર વર્ષે ચાલીને રામદેવરા જાઉ છું. મને લોકોનો પણ રસ્તામાં મદદ મળે છે. અને ચા-પાણી જમવાની પણ વ્યવસ્થા કરી છે. અમારા વિસ્તારમાં રામદેવનું મંદિર પણ તેવી મારી ઈચ્છા છે. તેઓએ વાતચીત પતાવી લુણાવાડા તરફ આગળ વધ્યા હતા.