અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી: કોરોના મહામારીમાં પણ વણથંભી રહી ડૉ. પંકજ નાગરની પદયાત્રા
મા અંબાએ અડચણોને આશીર્વાદમાં પલટી નવું બળ પૂરું પાડ્યું છે: ડૉ. પંકજ નાગરAdvertisement
શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય છે. મા અંબામાં અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા લગભગ ૪૦ લાખથી વધુ માઇભક્તો મેળા દરમિયાન મા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે કેટલાક માઇ ભક્તો એવા છે કે જેમણે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરી બતાવી છે.
આવા માઇ ભક્તોએ એકધારી અવિરત અને વણથંભી અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે. આવા માઇ ભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઊંચું સ્થાન આપી અનેક માઇભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ મા અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા આસ્થા ડગી નથી. અને જગત જનની મા અંબાએ પણ પોતાના ભક્તો પર કૃપા વરસાવતા તેમની શ્રદ્ધાનું ફળ તેમને આપ્યું છે. આવા જ એક માઇ ભક્ત એટલે અમદાવાદના ડૉ. પંકજભાઈ નાગર…કે જેઓ સતત ૩૬ વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવે છે.
મા અંબા પ્રત્યેની તેમની આ અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાના ૩૪ વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ હતી. હવે તેમની આ અદભુત અને વિરલ સિદ્ધિ ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માં પણ સ્થાન મળ્યું છે. પંકજભાઈએ આ સિદ્ધિને મા અંબાના આશીર્વાદ ગણાવી જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજી માના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે મા અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
તેમણે પોતાની ૩૬ વર્ષની પદયાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે છેક ૧૯૮૮ થી પોતાની પ્રથમ પદયાત્રા તેમણે પત્ની ગીરા નાગર સાથે શરુ કરેલી. ત્યારબાદ તેમની આ અવિરત આસ્થારૂપી પદયાત્રામાં તેમનો ડોકટર પુત્ર રોહન નાગર , પુત્રી રચના , અને લગભગ ૧૫ મિત્રોનું ગૃપ જોડાયેલુ. સમયાંતરે કેટલાક પદયાત્રી છુટા પડયા અને બદલાયા અને નવા જોડાયા. પરંતુ માત્ર ડો.પંકજ નાગરની અંબાજી પદયાત્રા અવિરત રહી. ૩૬ વર્ષના વહાણા વાઈ ગયા જેમાં કેટલીયવાર પ્રતિકૂળ સંજોગો સર્જાયા, મા એ પરીક્ષા કરી અને યાત્રા ન થઈ શકે એવા સંજોગો ઉભા થયા પરંતુ તેમણે મા અંબા પ્રત્યેની ભક્તિ ટકાવી રાખી.
કોરોના જેવી મહામારી દરમિયાન પણ ડૉ. પંકજ ભાઈની પદયાત્રા ચાલુ રહી હતી. ચાલુ વર્ષે તેમની આસ્થાની આ અવિરત ૩૬ મી અંબાજી પદયાત્રા છે. તેમણે શ્રદ્ધા આસ્થાનું હિમાલય શિખર સર કર્યું છે. ત્યારે તેમની આ વિરલ સિદ્ધિની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે. તેમણે પોતાના આ સન્માનને મા અંબાના આશીર્વાદ ગણ્યા હતા અને મા અંબાએ જ આટલા વર્ષ સુધી તેમની શ્રદ્ધા ટકાવી રાખી છે તેમ કહ્યું હતું.
તેમણે આ ૩૬ વર્ષની યાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે એકવાર અસહ્ય ગરમીમાં ગબબરની ટોચે ચડવાનું હતું. પગના તળિયા બળી જાય એવી ગરમી હતી અમે એક ડગલું ચાલી શકીએ એમ ન હતા. ત્યારે અમે હળવા થવા ચા પીવા બેઠા અને વાત વાતમાં ચા વાળા ભાઈ એ કહ્યું કે મા અંબા બધું સારું કરશે. અને એના શબ્દોએ ચમત્કાર સર્જ્યો હોય એમ કાળા વાદળો ઉમટી આવ્યા અને ધોધમાર વરસાદ વરસી પડ્યો. મા એ કેટલીય વાર અમારી પદયાત્રાની અડચણોને આશીર્વાદમાં પલટી અમારી શ્રદ્ધાને નવું બળ પૂરું પાડ્યું છે.
ડો.પંકજ નાગર અને ગુરુ કૃપા પદયાત્રા સંઘ તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ અંબાજી પહોંચી ધજા, પૂજા અને દર્શનનો કાર્યક્રમ કરશે. ડો.પંકજ નાગરની ૩૬ મી રેકોર્ડ બ્રેક પદયાત્રાને પ્રોત્સાહિત કરવામાં મા.શ્રી પી.ડી.વાઘેલા, ટુરીઝમ સેક્રેટરીશ્રી ડો.રાજેન્દ્રકુમાર, શ્રી હારિત શુક્લા, IPS શ્રી નિરજકુમાર બડગુજર, બનાસકાંઠાના કલેકટરશ્રી મિહિર પટેલ, એસ.પી શ્રી અક્ષયરાજ મકવાણા, યાત્રાધામ બોર્ડના ચેરમેનશ્રી રાજુભાઈ રાવલ, વહીવટદારશ્રી કૌશિક મોદી, અંબાજી મંદિર ટ્રસ્ટ, અંબાજીના પી.આઈ. ગોહિલ, સહિતનો અનન્ય ફાળો છે.
ડો.પંકજ નાગર માત્ર એક એવા પદયાત્રી છે કે જેમણે માં અંબાની સતત ૩૫ પદયાત્રા માટે LBR, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની અલભ્ય સિદ્ધિ ઈ.સ.૨૦૨૨ દરમિયાન પ્રાપ્ત કરેલ છે. ઈ.સ. ૨૦૨૩ દરમિયાન પદયાત્રા માટે અમેરિકા બુક ઓફ રેકોર્ડ્સનો અવોર્ડ પણ મેળવેલ છે. લાખો પદયાત્રીઓમાં ડો.પંકજ નાગર જ આ ત્રણ ત્રણ એવોર્ડની અદ્દભુત સિદ્ધિ મેળવી શક્યા છે. અને ૩૬ મી પદયાત્રા દરમિયાન ઇન્ટરનેશનલ અવોર્ડ “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ” દ્વારા તેમને સન્માનિત કર્યા છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સનું સન્માન સમગ્ર વિશ્વમાં પદયાત્રા માટે માત્ર ૭૦ વર્ષના ગુજ્જુ ડૉ.પંકજ નાગરને જ પ્રાપ્ત થયું છે. તે ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ઘટના કેહવાય. ૩૫ પદયાત્રા અને ૪ -૪ એવોર્ડની સિદ્ધિને ડો.પંકજ નાગર મા જગદંબાની કૃપા જ ગણે છે.
તેઓ આ એવોર્ડસ તેમના પદયાત્રીઓને તેમના માતા પિતા, પત્ની ગીરા અને સંતાનોને સમર્પિત કરે છે. પરસ્પર મૈત્રી, માનવ કલ્યાણ, કોમી ઐક્ય, સનાતન ધર્મનું સન્માન ડૉ.પંકજ નાગર ની પદયાત્રાનો મુખ્ય સંદેશ અને આશય છે.