સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી અને બે આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ પાસેથી બે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે.
સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સના આધારે, 8 અને 9 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ લામ સેક્ટરમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી અત્યાર સુધીમાં બે AK-47 અને એક પિસ્તોલ અને અન્ય હથિયારો મળી આવ્યા છે. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે એન્કાઉન્ટર બાદ આ વિસ્તારને રોશની કરવામાં આવ્યો હતો અને આખી રાત ચાંપતી નજર રાખવામાં આવી હતી. સવાર પડતાં જ ફરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
છેલ્લા એક સપ્તાહમાં આ બીજુ મોટુ ઓપરેશન છે જ્યાં આતંકવાદીને ઠાર કરાયા હોય . આ પહેલા 2 સપ્ટેમ્બરે આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટ્રી સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ભારતીય જવાન શહીદ થયો હતો. સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આતંકવાદીઓના સતત હુમલાને કારણે સુરક્ષા દળોને સતર્ક રહેવું પડે છે.
29 ઓગસ્ટે કુપવાડામાં પણ એક મોટું એન્કાઉન્ટર થયું હતું, જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી બે આતંકીઓ માછિલ સેક્ટરમાં અને એક તંગધાર સેક્ટરમાં માર્યા ગયા હતા. સેનાએ કહ્યું હતું કે ખરાબ હવામાન છતાં આ વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી હતી. આ પછી સેના અને પોલીસે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને એન્કાઉન્ટર શરૂ થયું.14 ઓગસ્ટના રોજ ડોડા જિલ્લાના અસાર જંગલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાના કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. તે રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ માર્યો ગયો હતો. આ પહેલા 16 જુલાઈના રોજ પણ ડોડાના દેસા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 જવાનો શહીદ થયા હતા.
સેનાએ આતંકીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. ઘૂસણખોરીના પ્રયાસો સતત વધી રહ્યા છે, અને સેના આ પડકારનો પૂરી તાકાતથી સામનો કરી રહી છે. ઓપરેશન દરમિયાન સેના ડ્રોનથી મોનિટરિંગ કરી રહી છે, જેથી આતંકીઓની દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે