ગુજરાતના છેવાડાના કહેવાય તેવા દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે નૂતન વર્ષના દિવસે એક અનોખા મેળાની ઉજવણી કરવામા આવે છે. ગાય બળદના દોડતા ટોળાની સામે જઇને દંડવત પ્રણામ કરીને ગૌધનના આશિર્વાદ લેવાની ચાલી આવતી પરંપરા મુજબ ‘ગાય ગોહરીના ઉત્સવ’ ની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં હોય છે. વર્ષોથી ચાલતી આવતી આ ઐતિહાસીક પરંપરા આજે પણ ચાલી રહી છે. નૂતનવર્ષના દિવસે ઉજવાતા ગાય ગોહરીના આ ઉત્સવને નિહાળવા હજારોની સંખ્યામાં માણસો આવે છે.
આદિ-અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગરબાડા ગાંગરડી ખાતે ગાય ગોહરીના ઉત્સવની ઉજવણી થતી આવી છે. ધરતીપુત્રો હજારો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના ગૌધનને શણગારે છે. દિવાળીના દિવસે ખેડૂતો પોતાના ગૌધનને એટલે કે ગાય માતાને મહેંદી લગાડે છે. ત્યારબાદ સવારમા એટલે કે નવા વર્ષના દિવસે પોતાના ગૌધનને નવડાવીને કલરથી રંગ કરે છે. અને મોર પીંછ, ઘૂઘરા, મોરિંગા, ફુમતા બાંધી ગૌધનને શણગારી તૈયાર કરે છે. અને દાળ ભાત શાક જેવી વાનગીઓ પણ જમાડતા હોય છે. ત્યારબાદ કુવારી ગાયનું પૂજન કર્યા બાદ ગાય ગોહરીનો ઉત્સવ શરૂ કરવામા આવે છે.
આ પર્વને નિહાળવા માટે જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. હૈયે હૈયુ દબાય તેટલી માનવમેદનીમા ઢોલ, ત્રાસા અને ફટાકડાની આતાશબાજી વચ્ચે ધરતીપુત્ર એક નહિ પણ અનેક ગૌધનના ગોહાની નીચે ગોહરી પડે છે. ખેડૂતો દોડતા ગાય બળદના ઘણ નીચે સુઈ જાય છે. અને ગૌધન તેમની ઉપરથી પસાર થાય છે. જે નજારો ખરેખર જોવાલાયક હોય છે. ત્રણથી ચાર કલાક સુધી ચાલતો આ ઉત્સવ અહીની પ્રજા એટલાજ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. વર્ષોથી ચાલતી આવતી આ ગાય ગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી હતી, અને ગરબાડા તથા ગાંગરડીમા ગાય ગોહરીના ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી.