——–
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે MOU સંપન્ન થયા
———
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન DSIRમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ EMS યુનિટ શરૂ કરવાની નેમ
——–
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની મેઈક ઇન ઇન્ડિયા પહેલને આ MOUથી વેગ મળશે
———
૨૦૨૭ સુધીમાં યુનિટ શરૂ થવાનું અનુમાન – અંદાજે ૫૦૦૦થી વધુ રોજગારીની તકો ઉભી થશે
———
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા એઆઈ મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે AI, IOT અને 5 G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે.
વડાપ્રધાનના દિશાદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આ પરિવર્તન યાત્રામાં અગ્રેસર છે તેને વધુ વેગવંતી બનાવવામાં આ MOU એક વધુ સફળ કદમ બનશે.
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જીનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ માં વર્લ્ડ લીડર જેબિલ વચ્ચે થયેલા આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન DSIRમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ ધરાવે છે.
આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ MOU અન્વયે જેબિલ આગામી ૨૦૨૭ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે ૫૦૦૦થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે.
આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કીલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે.
આ MOU પર જબીલ વતી બી એન શુક્લા, (ઓપરેશન ડાયરેક્ટર) અને મનીષ ગુરવાણી, મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ફ્રેડરિક મેકકોય, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ વચ્ચે આ MOUનું આદાનપ્રદાન થયું હતું.
રાજ્યમાં GSEM નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે.
“આ MOU ઉચ્ચ-કુશળ નોકરીની તકો અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનોનું ઉત્પાદન કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે. ધોલેરા SIR સરકાર દ્વારા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ઉદ્યોગ-તૈયાર પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિકલ ફ્રેમવર્ક સાથે વિકસાવવામાં આવી છે. તે વડાપ્રધાનશ્રીની મેક ઇન ઈન્ડિયા પહેલને વેગ આપશે.
વિશ્વની ટોચની બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ વ્યાપક એન્જિનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઓફર કરે છે. સમગ્ર ઉદ્યોગોમાં 50 વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં 100 થી વધુ સાઇટ્સના વિશાળ નેટવર્ક સાથે, સ્કેલેબલ અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ બંનેને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે તે વૈશ્વિક પહોંચને પણ જોડે છે.
ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેઈન્સ જેવા ટેક્નોલોજી લીડર્સ દ્વારા સેમિકન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે .
ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે. ભારતમાં જેબિલ નું આયોજિત વિસ્તરણ ટેક્નોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકોના વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનર્જિસ્ટિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરૂ પાડશે.
આ MOU સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંધાર તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને જેબિલ ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.