અંકિત ચૌહાણ/જય અમિન
ગુરૂ પૂર્ણિમાને લઇને રાજ્યના યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લાની ગિરીમાળાઓમાં શામળિયા શેઠના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી જ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સૌથી મૌટા કાર્તિકી પૂનમનો મેળો, અગિયારસથી શરૂ થઈને પૂર્ણિમા સુધી ચાલે છે. છેલ્લા દિવસ એટલે કે, પૂનમના દર્શન કરવા માટે શામળાજી ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
કારતક સુદ પૂનમને લઇને વિશેષ આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. સોના-ચાંદીના આભૂષણોથી સજ્જ, ભગવાન શામળિયાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ અંગે શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર શૈલેષ શાહે જણાવ્યું હતુ કે, લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા છે.
દર વર્ષે યાત્રાધામ શામળાજી ખાતે લાખોની સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો પહોંચતા હોય છે. કાર્તિકીની પૂમના મેળાનું વિશેષ મહત્વ હોય છે, જેથી આ વર્ષે પણ ભક્તોમાં એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો… સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઊઠ્યું હતું.