અરવલ્લી જિલ્લામાંથી ફરી દારૂની હેરાફેરી પર પોલિસે તવાઈ બોલાવી છે. એક જ દિવસમાં બે જગ્યાએ પોલિસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારના આમોદરા ગામની સીમમાંથી મારુતી સ્વીફ્ટ ગાડીમાંથી 1,31,505/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા જરૂરી સૂચનો કરતા, પોલિસે એક્શનમાં આવી છે. બાયડ પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં.GJ-06-DB-5642 માં વિદેશી દારૂ અરવલ્લી જિલ્લામાંથી પસાર થવાનો છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલિસે વોચ ગોઠવી સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવતા, તેને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકારી આંબાગામ તરફ હંકારી હતી. પોલિસે ગાડીનો પીછો કરતા બુટલેગરની ગાડીનું ટાયર ફાટી જતાં, ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. આ સમય દરમિયાન કાર ચાલક ગાડી મુકી નજીકના ખેતરમાંથી નાસી છૂટ્યો હતો. પોલિસે ગાડીમાં તપાસ કરતા, ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ /ટીન નંગ -969 કુલ કિં.રૂ.1,31,505/- નો પ્રોહી મુદ્દામાલ તથા સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં. GJ-06-DB-5642 ની કિં.રૂ.1,50,00/- મળી કુલ રૂ.2,81,505/- મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલિસે ગાડીના ચાલક કનુભાઈ રયજીભાઈ ખોટ રહે.ચીખલી જોજા કોયડમ તા.વિરપુર જી.મહીસાગર વિરૂધ્ધ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.