મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. મૈતયી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઈમ્ફાલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીના આવાસમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન 7 ધારાસભ્યોના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલાક સ્થળો પર પણ હુમલો કર્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ સમયે શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી તંગ પરિસ્થિતિ વચ્ચે અચાનક એવું શું બન્યું કે લોકો ગુસ્સે થઈ ગયા. હકીકતમાં, 11 નવેમ્બર, 2024 ના રોજ, મણિપુરની ઇમ્ફાલ ઘાટીમાં મહિલાઓ અને બાળકો સહિત એક જ પરિવારના છ લોકો ગુમ થયા હતા. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ગુમ થયેલા લોકોના મૃતદેહ આસામ સાથેની રાજ્યની સરહદ પર એક નદીમાંથી મળી આવ્યા છે. મૈતયી સમુદાયના લોકોને આ અંગેની માહિતી મળતા જ ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી.
ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી
રસ્તા પર નીકળેલા લોકોએ વાહનોને આગ ચાંપી દીધી હતી. રાજધાની ઇમ્ફાલમાં અનેક ધારાસભ્યોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. મણિપુરના સાત પ્રભાવિત જિલ્લાઓમાં ઈન્ટરનેટ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. આ એવા જિલ્લાઓ છે જ્યાં મીતાયી સમુદાય બહુમતીમાં છે. તે જ સમયે, આસપાસના પહાડી વિસ્તારોમાં આદિવાસી કુકીઓ બહુમતીમાં છે. આ ઘટનાને કુકી સમુદાય દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.