મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયેલા અકસ્માત પછી અનેક સવાલો
મહાદેવપુરા નજીક બ્રેઝા કારની નંબર પ્લેટ બદલી દેવાઈ ?
પહેલા GJ18 અને પછી GJ08 પાર્સિંગની નંબર પ્લેટ
શું કારમાં કોઈ નશીલા પદાર્થો હતા ?
મોડાસા ગ્રામ્ય પોલિસ કઈ દિશામાં તપાસ કરશે તે સવાલ
રાજેન્દ્નનગરથી લઈને મહાદેવપુરા સુધીના સીસીટીવી પોલિસે તપાસ કરવા જોઈએ
અંકિત ચૌહાણ / જય અમીન
અરવલ્લી જિલ્લાના મોડાસા – રાજેન્દ્રનગર હાઈવે પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. ખાસ વાત એ છે કે, આ રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર બન્યો છે, જેને કારણે અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. આ વચ્ચે એક દિવસ પહેલા રાત્રિના સમયે એક બ્રેઝા કાર મોડાસા તરફ આવી રહી હતી ત્યારે ખરાબ રસ્તાને કારણે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર મહાદેવપુરા ના પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. વાત એટલેથી નથી અટકતી, અહીં કારની નંબર પ્લેટ રાતોરાત બદલી નાખવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે, કારમાં મોટી માત્રામાં નશીલા પદાર્થની હેરાફેરી થતી હોઈ શકે.
મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે પર હાલ રોડની સુંદર કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. આ પ્રકારની કામગીરી વચ્ચે છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. એક એવો અકસ્માત સર્જાયો કે, લોકો પોલિસ પણ ચોંકી ગઈ. એક બ્રેઝા કારને અકસ્માત નડતાં, બ્રેઝા ગાડી મહાદેવપુરા પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત પછી, કેટલાક લોકો આવે છે અને કારની નંબર પ્લેટ બદલી દે છે. સ્થાનિક લોકોના આરોપ મુજબ અકસ્માત સમયે કારનો પાર્સિંગ નંબર GJ18 હતો, ત્યાર પછી કેટલાક લોકો આવ્યા અને આ નંબર પ્લેટ કાઢી લઈ ગયા અને GJ08 પાર્સિંગની નંબર પ્લેટ મુકી ગયા.
સ્થાનિક લોકોના આરોપ મુજબ, કારમાં મોટી બેગ હતી, જેને કેટલાક લોકો આવીને લઈ ગયા હતા. જ્યારે કારમાંથી બેગ લઈ ગયા હતા, તે પછી કારમાંથી દુર્ગંધ આવતી હતી. સ્થાનિક લોકોએ ખુલ્લો આરોપ લગાવ્યો હતો કે, કારમાં ચરસ અને ગાંજા જેવી કોઈ નશીલા પદાર્થો હોઈ શકે. જો ગ્રામજનોની વાત સાચી હોય તો, અકસ્માત પછી પણ કારની નંબર પ્લેટ કેવી રીતે બદલાઈ ગઈ તે એક સવાલ છે. એટલું જ નહીં કારને આગળના ભાગે અકસ્માત નડ્યો હતો, તો પાછળના ભાગે નંબર પ્લેટ કેવી રીતે નિકળી ગઈ તે પણ એક સવાલ ચોક્કસથી ઉદભવે છે. મોડાસા ગ્રામ્ય પોલિસ હવે આ બાબતે કેવી કાર્યવાહી કરશે તે પણ એક સવાલ છે. હાલ તો પોલિસે લોકોના આરોપ મુજબ, તટસ્થ તપાસ કરવી જોઈએ, જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થાય.