અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં અને તાલુકામાં દારૂની અડ્ડાઓ ધમધમે છે તે વાત ચોક્કસ છે. એક દિવસ પહેલા વેપારી પર થયેલા હુમલાને લઇને હવે વેપારીઓને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે, બુટલેગરો ગમે તે સમયે તેમની પર હુમલો કરી શકે છે. વેપારીઓએ હુમલાની ઘટનાને લઇને રોજગાર ધંધા બંધ રાખી, સજ્જડ બંધ પાડ્યો હતો. બુટલેગરોની આટલી હિંમત કેમ થાય છે, જેઓને કાયદાનો ડર નથી અને ધોળા દિવસે ઉત્તરપ્રદેશવાળી કરી રહ્યા છે.
માલપુર નગરમાં આવેલા માર્કેટ યાર્ડમાં વેપારી પર થયેલા હુમલાને લઇને વેપારીઓમાં ડર છે, વેપારીઓએ માલપુર પીઆઈને લેખિતમાં જણાવ્યું કે, 19 નવેમ્બરના રોજ માલપુરના જાણીતા બુટલેગરે જીવલેણ હુમલો કર્યો હતો. વેપારી પર થયેલા હુમલાની ઘટનાને લઇને વેપારીઓમાં એક ડર છે અને નગરમાં સન્નાટો છવાઈ ગયો છે. જેને પૂછો તે, કોઈ વ્યક્તિ બુટલેગરનું નામ લેવા તૈયાર નથી, બોલો પોલિસને કરેલી અરજીમાં પણ બુટલેગરનું નામ ક્યાંય ઉલ્લેખ નથી કરાયું, એટલે કહીં શકાય કે, માલપુરની બાહોશ પોલિસ હોવા છતાં બુટલેગરનો દબદબો છે, કારણ કે, કોઈ નામ નથી લેતું, સાહેબ આવો તે કેવો ખૌફ ?
માલપુરમાં વેપારી પર થયેલા હુમલાને લઇને વેપારીઓએ પોલિસ ઈન્સ્પેક્ટરને લખ્યું છે કે, માલપુર નગરના વેપારીઓ છીએ અને માલપુર નગરમાં વર્ષોથી ધંધો કરીએ છીએ. માલપર નગરમાં છેલ્લા કેટલાય સમયથી દારુના ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહ્યા છે, જેથી બુટલેગરો બેફામ બની રહેલ છે અને જેનાથી માલપુર નગરની શાંતિ ખોરવાઈ રહી છે. ગુજરાતમાં અગાઉ પણ બટલેગરોએ ખુન કરેલ છે જે સ્થિતી માલપુરમાં બનવા જઈ રહી છે.
વેપારીઓએ વધુમાં લખ્યું કે, ગત તા. 19/11/2024 ના રોજ માલપુર માર્કેટયાર્ડમાં એક વેપારી સાથે માલપુરના જાણીતા બુટલેગરોએ જાનલેવા હુમલો કરેલ છે જેની માલપુર પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરીયાદ થયેલ છે. આ આરોપી ગઈ કાલના ફરાર થયેલ છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોવાથી માલપુર નગરના વેપારી મંડળમાં ભયનો માહોલ બની ગયેલ છે.
આવા બુટલેગરોને તાકીદે પકડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા માલપુર નગરમાંથી દારૂના અડ્ડા તાકીદે બંધ કરાવવા અમો વેપારીઓ આપ સાહેબને આ આવેદનપત્ર આપીએ છીએ. જો સદર કામના આરોપીઓ તાકીદે નહી પકડાય તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશુ જે આપ સાહેબને વિદીત થાય.
આવા બુટલેગરો નો જો ખૌફ હોય તો, તેમનો દબદબો દૂર કરવા પોલિસે માલપુર નગરમાં સરઘસ કાઢવું જોઈએ, બાકી તો રાત ગઈ બાત ગઈ, આવી સ્થિતિ નું પુનરાવર્તન ચોક્કસથી થશે.