સાબરાકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ ચલાવતા ગ્રુપનો રાફડો ફાટી નીકળ્યો છે. પોન્ઝી સ્કીમના સંચાલકો રોકાણકારોને પોતાની જાળમાં ફસાવવા માટે નેતાઓ અને અધિકારીઓને પોતાના કાર્યક્રમો મહેમાન તરીકે ઉપસ્થિત રાખીને આકર્ષણ ઉભા કરતા ચકાચક કાર્યક્રમો યોજવામાં આવતા હતા. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર પોલીસ પાયલોટ સાથે આવી જ એક કથિત પોન્ઝી સ્કીમ ચલાવતા કેસર ગ્રુપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના અધિકારી પણ પહોંચ્યા હતા. અહીં સવાલ એ છે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ રોકાણ કર્યું હશે કે શું ? શું અધિકારીઓ અને કર્મચારીઓ એજન્ટ તરીકે કામ કરતા હતા, તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ પોંઝી સ્કીમ ચલાવતી દુકાનો શરૂ થઈ હતી, જેને લઇને રોકાણકારો ઊંચા વ્યાજને લઇને આકર્ષાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં પણ આવી જ એક કથિત પોંઝી સ્કીમની દુકાન ચાલતી હતી, જોકે બીઝેડ પર દરોડા પછી તમામ દુકાનો રાતોરાત બંધ થઈ હતી હતી, તેવી જ રીતે કેસર ગૃપની દુકાન પણ બંધ થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી કેસર ગૃપ કાર્યરત હતું, જેની સફળતાના ત્રણ વર્ષ થતાં કાર્યક્રમ યોજાયો હતો. સફળતાના ત્રણ વર્ષ પૂર્ણ થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ સાથે જ હિંમતનગરમાં નવી ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ઓપનિંગ પહેલા બંને જિલ્લામાં મસમોટા હોર્ડિંગ લાગવાવામાં હતા. જેના થકી મોટા ગ્રુપ અને મોટા સંચાલનનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જોકે દોઢ માસ અગાઉ ખોલવામાં આવેલી આ ઓફિસને હવે તાળા લાગી ગયા છે. ઓફિસના શટર દસ દિવસથી બંધ છે તો હવે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા છે, કે પોતાની મૂડીનું શું થશે.?