રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી હોય છે, તો કેટલીક જગ્યાએ એવી ઘટનાઓ ઘટતી હોય છે કે, જે વિચારી પણ ન શકાય. થોડા દિવસ પહેલા અમદાવાદમાં કાર ચાલક નશાની હાલતમાં હતો અને રસ્તાઓ પર બેફામ રીતે કાર હંકારતા, કેટલાય વાહનોને અડફેટે લીધા હતા. આવી જ એક ઘટના છોટા ઉદેપુર જિલ્લામાં સામે આવી છે. અહીં કાર અચાનક એક ઢાબામાં ઘૂસી જતાં અફરા-તફરી મચી જવા પામી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના બેડેલીમાં એક ઢાબામાં કેટલાક લોકો જમવા માટે બેઠા હતા, આ સમયે અચાનક જ ઢાબામાં કાર ઘૂસી જવાની ઘટના ઘટી હતી. ઢાબામાં કાર અચાનક ઘૂસી જતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે, કેટલાક લોકોને, કંઈક આવી રહ્યું હોવાનો અણસાર થયો હતો. ઢાબામાં બેઠેલા લોકોને અણસાર થતાં જ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જોકે, કેટલાક લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. ઢાબામાં કાર ઘૂસી જવાની ઘટનામાં, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઢાબામાં ઘૂસી ગયેલી કારની સમગ્ર ઘટના, ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.