પુષ્પા 2 ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાસભાગ કેસમાં જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકનું મોત નીપજતાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. આ મામલે એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા હતા. જો કે તે પહેલા જ હૈદરાબાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.
અલ્લુ અર્જુન સહિત સાત લોકોની કરી હતી ધરપકડ
તેલુગુ સુપરસ્ટાર અને પુષ્પા ફેમ અભિનેતા અલ્લુ અર્જુનને કોર્ટના આદેશ પર 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. નાસભાગ કેસમાં અભિનેતા સહિત કુલ સાત લોકોની ધરપકડ થઈ હતી. આ સાત લોકોની ધરપકડ બે દિવસ પહેલાં જ થઈ હતી. તે તમામ પર ગંભીર આરોપ મૂકવમાં આવ્યા છે.
સંધ્યા થિયેટરે ચોંકાવનારો પત્ર જારી કર્યો
હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનને બોલાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે. થિયેટર મેનેજમેન્ટે એક અરજી પત્ર જારી કરતાં દાવો કર્યો છે કે, તેમણે અભિનેતાના આગમાનની બે દિવસ પહેલાં જ પોલીસને આ અંગે જાણ કરી સુરક્ષા વ્યવસ્થાની માગ કરી હતી. પુષ્પા-2ના પ્રચાર દરમિયાન અલ્લુ અર્જુનના આગમનની જાણકારી પોલીસને લેખિતમાં આપવામાં આવી હતી. તેમ છતાં પોલીસે કોઈ ખાસ પગલાં લીધા ન હતાં.
પોલીસે સવારે નાસ્તો પણ કરવા દીધો નહિં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની વહેલી સવારે જ ધરપકડ કરી હતી. પોલીસે તેને સવારનો નાસ્તો પણ કરવા દીધો ન હતો. સીધા બેડરૂમમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ચા પણ પીવા દીધી ન હતી. બાદમાં તેણે ઉભા ઉભા પોલીસ સામે જ ઝડપથી ચા પીને તાત્કાલિક પોલીસ વાનમાં બેસી ગયો હતો.
અલ્લુ અર્જુનને ગાંધી હોસ્પિટલ લઈ જવાયો
અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે પોલીસ ગાંધી હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હૈદરાબાદ નાસભાગમાં એક પ્રત્યક્ષદર્શીની સાક્ષીમાં નિવેદન નોંધ્યું હતું. સેન્ટ્રલ ઝોન ડીસીપીએ તેમનું નિવેદન નોંધ્યું છે.
રાજેનતાઓ મેદાને આવ્યા
અલ્લુ અર્જુનની ધરપકડ મામલે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. દિગ્ગજ નેતા KTR અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે, કે ‘અભિનેતા સાથે એક અપરાધી જેવો વ્યવહાર કરવો યોગ્ય નથી. હું સરકારની આ કાર્યવાહીને વખોડું છું.’
વકીલો કોર્ટ પહોંચ્યા
બીજી તરફ અલ્લુ અર્જુનના વકીલોએ રાહત માટે દોડાદોડ શરૂ કરી છે. વકીલોએ કોર્ટથી માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ અને સોમવાર સુધી ધરપકડમાં રાહત આપવી જોઈએ.
પોલીસે કરી પુષ્ટિ- અલ્લુ અર્જુનની ધરપકડ
અલ્લુ અર્જુનની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી છે ત્યાં અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. બીજી તરફ મીડિયાના સવાલોના જવાબ આપતા હૈદરાબાદ પોલીસે પુષ્ટિ કરી છે કે, ‘હા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.’
કયા કેસમાં કરાઇ કાર્યવાહી?
આ મહિને સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એવખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતા રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.