અરવલ્લી જિલ્લામાં વન્યપ્રાણીઓ અસુરક્ષિત હોવાની ઘટના બનવા પામી છે. મેઘરજ રેન્જના ગોઢા બીટ વિસ્તારના આઢોડિયા રેવન્યુ વિસ્તારમાં ગત તા.6 ડિસેમ્બરની રાત્રિના સમય નીલગાયોના શિકાર થયો હોવાનું જીવદયાપ્રેમીઓ ધ્યાને આવતા જીવદયાપ્રેમીએ વન વિભાગને ઘટનાની જાણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બાતમી આઘારે રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા, મેઘરજના આઢોડિયા રેવન્યુ વિસ્તારમાં થી અજાણ્યા શંકાસ્પદ ઇસમો પોતાની મોટરસાઇકલ નાખી દઇ અંઘારાનો લાભ લઇ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. અજાણ્યા ઇસમોએ અલગ-અલગ જગ્યાએ ચાર નીલગાયનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું.
રેન્જ ફોરેસ્ટ વિભાગે મુદ્દામાલ કબ્જે લઈ,અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની તપાસ હાથ ધરી હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું. આ રેન્જ વિસ્તારમાં કેટલા વન્યજીવોનો શિકારીઓ શિકાર કરતા હશે તેના સામે પણ સાવલો ઉઠ્યા છે. વન્ય જીવોનો શિકાર કરી તેનું માંસ અન્ય જગ્યા એ મોકલવામાં આવતું હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ગંભીરતા દાખવી વન્યજીવોને રક્ષણ મળે તે દિશામાં વન વિભાગ મેઘરજના અધિકારીઓએ કામ કરવું જોઈએ. એટલું જ નહીં શિકારીઓ ઝડપી દાખલા રૂપ કાર્યવાહી કરે તે જરૂરી છે. આવી ઘટનાઓ થી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા, મેઘરજ, મોડાસા, માલપુર તેમજ બાયડ સહિતના વિવિધ તાલુકાઓની ફોરેસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોટા ભાગે ઓફિસમાં જોવા મળતા જ નથી. ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને પૂછીએ તો, એક જ જવાબ મળતો હોય છે, કે સાહેબ તો ફિલ્ડમાં છે. એવી તો કેવી ફિલ્ડ હોય છે કે, આખો દિવસ જંગલમાં વિતાવી દે છે ? ચાલો કામ પ્રત્યે નિષ્ટા હોય તો સાચી બાબત છે પણ જંગલમાં રહેવા છતાં પણ વન્યજીવોનો શિકાર કેમ થાય છે, તે પણ અનેક સવાલો ઉઠે છે. મેઘરજ રેંજમાં આ પ્રકારની ઘટનાને લઇને સ્થાનિક રેંજ ફોરેસ્ટ ઓફિસરની કામગીરી પર ચોક્કસથી સવાલો ઉઠશે.