સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ અર્થે ફાળવણી થતી હોય છે, જોકે અધિકારી અને સત્તાધિશો તેનો સદુપયોગ કરે છે ખરા? આવા સવાલો સમયાંતરે ઉઠવા પામતા હોય છે. કેટલીકવાર તો એક વસ્તુને વારંવાર રીપેરિંગ અથવા તો રીનોવેશન કરીને ખર્ચા પાડવાની પરંપરાઓ પણ જોવા મળે છે. આવી જ એક સુવિધા વર્ષો પહેલા અરવલ્લી જિલ્લા બાયડ ખાતે ઊભી કરવામાં આવી હતી, જોકે વર્ષોથી ઉદ્ધાટનની રાહ જોતા-જોતા ખંડેર બની ગઈ છે.
બાયડ નગર પાલિકા વિસ્તારમાં અંદાજે પ્રાપ્ત માહિતી મુજબ 5 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો હતો. આ ઓડિટોરિયમ આજદિન સુધી ખુલ્લો મુકવામાં આવ્યો નથી. હજુ સુધી ઉદ્ધાટન ની રાહ જોઈને ખંડેર બાલતમાં પરિવર્તિત થઈ ગયો છે. અહીં, મળ અને પેશાબ તેમજ દેશી દારૂની પોટલીઓ પણ પડેલી જોવા મળી હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે 5 વર્ષથી તૈયાર થયેલા ઓડિટોપિયમમાં સમયાંતરે રીનોવેશન પણ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ ચાલી છે. લાખો રૂપિયાના ખર્ચે કેમેરા પણ લગાવવામાં આવતા હતા, પણ ઉદ્ઘાટન કેમ કરવામાં આવતું નથી અને કોણ અડચણ રૂપ બને છે, કેમ ઉદ્ઘાટન થવા દેવામાં આવતું નથી, તેવા સવાલો ઉઠી રહ્યા છે.
કરોડો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલા ઓડિટોરિયમ જ્યારથી તૈયાર થયો છે, ત્યારથી અત્યાર સુધીમાં અન્ય ખર્ચો પાડવામાં આવ્યો છે કે નહીં તે પણ સવાલો ઊઠી રહ્યા છે. ભાજપ શાસિત અરવલ્લી જિલ્લામાં લોકોના કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. હવે તો લોકોમાં ચર્ચાઓ એવી ચાલી રહી છે કે, આ તો સોનાના ઇંડા આપતી મુરઘી છે, તેને વેતરી થોડી નખાય!