ધો. 9 થી 12ના એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબના પુસ્તકો 2026-27થી ઉપલબ્ધ બનશે
નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ૨૦૨૫થી કોઇ પણ ભરતી પરીક્ષાનું આયોજન કરશે નહીં અને ફક્ત ઉચ્ચ શિક્ષણ માટેની પ્રવેશ પરીક્ષાઓ લેશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે.
આ નિર્ણય મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં કથિત લીક અને અનિયમિતતાઓ તથા અન્ય પરીક્ષાઓ રદ કરવાને પગલે આ વર્ષની શરૂઆતમાં રચાયેલ એક ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો પર આધારિત પરીક્ષા સુધારાઓ હેઠળ લેવામાં આવ્યો છે.
નીટની પરીક્ષા પરંપરાગત પેન અને પેપર મોડમાં લેવી જોઇએ કે કામ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (સીબીટી) લેવી જોઇએ તે અંગેનો નિર્ણય લેવા શિક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યું છે. પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે આગામી વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ફક્ત ઉચ્ચ શિક્ષણ માટેની પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરશે અને ભરતી માટેની કોઇ પણ પરીક્ષાનું આયોજન કરશે નહીં.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે આગામી વર્ષથી કેટલાક ધોરણોના એનસીઇઆરટીના પુસ્તકો આગામી વર્ષથી સસ્તા થશે.હાલમાં એનસીઇઆરટી દર વર્ષે પાંચ કરોડ પુસ્તકોનું પ્રિન્ટિંગ કરે છે. આગામી વર્ષથી આ ક્ષમતા વધારી ૧૫ કરોડ રૂપિયા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધો. ૯ થી ૧૨ના સુધારેલા અભ્યાસક્રમ આધારિત નવા પુસ્તકો શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ઉપલબ્ધ બનશે. નવા અભ્યાસક્રમ આધારિત પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.