સંસદ ના શિયાળુ સત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઇને સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ તેમજ વિવિધ સંગઠનો પણ વિરોધમાં જોડાઈ ગયા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા લીયો પોલિસ ચોકી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું,જ્યાં અમિત શાહના રાજીનામાની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં 50 થી વધુ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડરનું અમિત શાહે ટિપ્પણી અને ટીકા કરી હતી, જેને લઇને સમગ્ર ભારત દેશની જનતા દુખી થઈ હતી. તેમણે ઉમેર્યું કે, તમામ લોકોને પોતાના હક મળે,તે માટે બાબા સાહેબે યોગદાન આપ્યું છે, આવા વ્યક્તિત્વ પર ટિપ્પણી કરનાર અમિત શાહ તાત્કાલિ ધોરણે રાજીનામું આપે. આ સાથે જ અમિત શાહ દેશની માફી માંગે તેવી પણ માંગ કરી હતી.
મોડાસા ખાતે યોજાયેલા કોંગ્રેસના ધરણાં અને વિરોધ પ્રદર્શન માં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
શું હતો સમગ્ર મામલો?
સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સમયે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.”
અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો.