પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ તુરંત દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.