અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સપાટો બોલાવવામાં આવ્યો છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં, જે જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય અથવા તો બાતમી મળી હોય તેવી જગ્યાએ પોલીસ અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા મોડાસા તાલુકાના છારાનગર ખાતે તપાસ કરવામાં આવી હતી. પોલીસની 10 થી વધારે ગાડીઓ તેમજ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા દેશી દારૂ ના અડ્ડાઓ પર દરોડા પાડીને કુલ છ કેસ કરવામાં આવ્યા છે. પોલીસના દરોડા ને લઈને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સાથે જ અરવલ્લી એલસીબી સહિતની ટીમ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ ના કુલ 9 કેસ કરવામાં આવ્યા છે. રાત્રિના સમયે દારૂ પીને ડ્રાઇવ કરનાર ચાલકો પર પોલીસે કડક કાર્યવાહી કરી છે. થર્ટી ફસ્ટને લઈને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. આ સાથે જ નશો કરીને વાહન ચલાવતા અકસ્માત થવાની પણ ભીતિ સેવાતી હોય છે, જેને લઈને અરવલ્લી જિલ્લાની અલગ અલગ પોલીસની ટુકડીઓ દ્વારા મોડાસા- શામળાજી હાઇવે તેમજ શામળાજી – હિંમતનગર હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવ ના નવ કેસ કરવામાં આવ્યા છે. નશો કરીને વાહન ચલાવનારા ચાલકો સામે પોલીસે કડકાઇથી કાર્યવાહી કરી છે.
અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લામાં કુલ 29 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસનો સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલિસની પ્રોહિબિશન ડ્રાઈવમાં ASP સંજયકુમાર કેશવાલા, LCB પી.આઈ.,SOG પી. આઈ. સહિત સ્થાનિક પોલિસ અધિકારી ની ટીમ જોડાઈ હતી.