20 C
Ahmedabad
Friday, January 17, 2025

કાશ્મીર : ભારે હિમવર્ષા, જોઝિલા પાસમાં પારો ગગડી -27, દિલ્હીમાં વરસાદે 101 વર્ષનો રેકોર્ડ તોડ્યો


કાશ્મીરમાં શનિવારે સીઝનની સૌથી કાતીલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે હવાઈ, રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીરથી હિમાચલ સુધીમાં હિમવર્ષાના કારણે હજારો વાહનો અટવાઈ જતાં પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. બીજીબાજુ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 41.2 મીમી વરસાદ ખાબક્યો છે, જેણે 101 વર્ષનો ઈતિહાસ તોડયો છે. હિમવર્ષાની સાથે વરસાદે ઉત્તર ભારતને હાડ થીજાવતી ઠંડીના કબજામાં લઈ લીધું છે.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે તથા હિમવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. પરિણામે અનંતનાગમાં 2000થી વધુ વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ હાઈવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ગયા છે. આમ, જમ્મુ-કાશ્મીરમાં બે નેશનલ હાઈવે અને અટલ ટનલ બંધ થઈ ગયા છે. બનિહાલ-બારામુલ્લા સ્ટેશન પર ટ્રેન સેવાઓ રદ કરી દેવાઈ હતી. કાશ્મીરમાં આ સીઝનમાં એટલો બરફ પડયો છે કે પર્વતોથી લઈને મેદાની પ્રદેશો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કુલગામ જિલ્લાના કેટલાક ગામોમાં 3 ફૂટ જેટલા બરફના થર જામી ગયા હતા.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીના સમય ચિલ્લાઈ કલાને જોર પકડયું છે. જમ્મુ-કાશ્મીરને લદ્દાખ સાથે જોડતા જોઝિલા પાસ પર તાપમાન ગગડીને માઈનસ 27 ડિગ્રી થઈ ગયું હતું. ખરાબ હવામાનના કારણે શ્રીનગર એરપોર્ટ પરથી પાંચ ફ્લાઈટનું ઉડ્ડયન રદ કરાયું હતું. દક્ષિણ કાશ્મીરમાં ભારેથી અતિભારે જ્યારે મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.

Advertisement

કાશ્મીરમાં હવામાન એટલું ખરાબ થઈ ગયું છે કે રસ્તાઓ બંધ થઈ જવાના કારણે હજારો પ્રવાસીઓ અધવચ્ચે ફસાયા હતા. અનેક પ્રવાસીઓએ હાડ થીજાવતી ઠંડીમાં તેમના વાહનોમાં જ રાત પસાર કરવી પડી હતી જ્યારે અનેક પ્રવાસીઓએ ક્રિકેટ રમીને મુશ્કેલ સમય પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સમયે સ્થાનિક લોકો પ્રવાસીઓની મદદ માટે આગળ આવ્યા હતા. પ્રવાસીઓને આશરો આપવા માટે મસ્જિદોએ તેમના દરવાજા ખોલી નાંખ્યા હતા. તેમને ગરમ ધાબળા, ભોજન પૂરા પાડયા હતા.

Advertisement

એ જ રીતે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર પર્વતો પર છવાયેલા બરફનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા છે. પરંતુ હિમવર્ષાએ પ્રવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. હિમાચલ પ્રદેશમાં પોલીસે સોલંગ ઘાટીથી 10000 પ્રવાસીઓને બચાવ્યા હતા, જ્યાં શુક્રવારથી હિમવર્ષા થઈ રહી છે. અહીં લગભગ ૨,૦૦૦થી વધુ વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. ભારે હિમવર્ષાના કારણે સોલંગ ઘાટીનો વિસ્તાર પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે. આ સિવાય અટલ સુરંગ પણ એક સપ્તાહથી બંધ છે.

Advertisement

ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે મોટાભાગના પર્વતીય વિસ્તારો હાડ થીજાવતી ઠંડીની જકડમાં આવી ગયા છે. ઓલી, હર્શિલ, હેમકુંડ સાહિબ, ચોપ્તા, પિથોરાગઢ સહિતના પર્વતીય વિસ્તારો પર બરફ છવાઈ ગયો છે. સરકારે પણ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવી પડી છે, તેમાં જણાવાયું છે કે નવા વર્ષ 2025ની ઊજવણી માટે રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમની સુવિધાઓ માટે રેસ્ટોરાં, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવામાં આવે, જેથી લોકોએ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. ઉત્તરાખંડમાં હિમવર્ષાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડવાના કારણે લોકોની સમસ્યા વધી છે. વરસાદના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

Advertisement

ઉત્તર ભારતને હિમવર્ષાએ જકડી લીધું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદે તોબા પોકારાવી દીધી છે. દિલ્હીમાં શનિવારે 41.2 મીમી વરસાદ ખાબક્યો હતો, જે છેલ્લા 101 વર્ષમાં ડિસેમ્બરમાં એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. વરસાદના કારણે દિવસનું તાપમાન નીચે ગગડયું હતું. હવામાન વિભાગે કહ્યું કે, આ પહેલાં 3 ડિસેમ્બર, 1923ના રોજ 75.7 મીમી વરસાદ પડયો હતો, જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ ધરાવે છે.

Advertisement

રાજસ્થાનમાં પણ વરસાદ પડયો હતો. ઝાલાવાડ જિલ્લામાં 86 મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય દૌસા અને અલવર સહિત કેટલાક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડયો હતો. મધ્ય વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!