બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચ 26મી ડિસેમ્બરે શરૂ થઈ હતી. આજે મેચનો ચોથો દિવસ (29મી ડિસેમ્બર) છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. તેનો સ્કોર 100 રનની નજીક પહોંચે તે પહેલાં જ તેની 6 વિકેટો પડી ગઈ ગઇ હતી. માર્નસ લાબુશેન અને પેટ કમિન્સ ક્રિઝ પર હતા. અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી છે.
બુમરાહ સામે કાંગારૂઓ ઘૂંટણીએ…
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત એટલી સારી રહી ન હતી. તેણે 20 રનના સ્કોર પર ડેબ્યૂ કરનાર સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્ટાસ (8 રન) જસપ્રીત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજા (21 રન)નું સ્ટમ્પ ઉડાવી દીધું હતું. આ પછી ભારત જ્યારે વિકેટની શોધમાં હતું ત્યારે સિરાજે સ્ટીવ સ્મિથ (13)ને આઉટ કર્યો હતો. ત્યારપછી બુમરાહનો જાદુ શરૂ થયો. તેણે પહેલા 34મી ઓવરમાં ટ્રેવિસ હેડ (1)ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શ (00)ને આઉટ કર્યો.
બુમરાહે બનાવ્યો રેકોર્ડ
બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી હતી.આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી (2)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે સ્મિથ 80ના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કેરીના આઉટ થયા ત્યાં સુધી માત્ર 11 રન બનાવ્યા હતા અને 4 વિકેટ ગુમાવી દીધી હતી.
ચોથા દિવસની રમત કેવી રહી
ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 9 વિકેટે 358 રન કર્યા હતા અને ચોથા દિવસની રમત શરૂ થતાં જ ટીમ ઈન્ડિયાનો હીરો રહેલો નીતિશ રેડ્ડી નાથન લાયનના બોલર પર મિચેલ સ્ટાર્કને કેચ આપી બેઠો અને ટીમ ઈન્ડિયા 369 રન પર ઓલઆઉટ થઇ ગઇ. નીતિશે 189 બોલમાં 114 રનની દમદાર ઈનિંગ રમીને કાંગારૂઓના સપનાઓ પર પાણી ફેરવી દીધું હતું. તેણે આ ઈનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.