વર્ષ 2019માં શરૂ કરાયેલા પંચાયત હેલ્પ લાઈન અંગે કેમ કોઈએ જાણ ન કરી?
માત્ર પ્રજાના પૈસાથી તાગડધીન્ના જ કરવાના કે શું?
2019માં શરૂ થયેલી હેલ્પ લાઈનમાં પણ મોટા દાવાઓ કરાયા હતા પણ….
ડીડીઓની બદલી થઈ અને હેલ્પ લાઈનનું પણ સુરસુરિયું થઈ ગ્યું…..
હવે નામ બદલી નવીન હેલ્પ લાઈન સ્વચ્છતા કંટ્રોલ રૂમ શરૂ થયો
કોઈ દિશા નિર્દેશ કે આયોજન વિના આ બધુ ક્યાં સુધી ચાલશે?
કોઈ અધિકારી છાતી ઠોકી ને કહેશે કે આ બધુ કાયમી ચાલશે?
પ્રજાની સમસ્યાઓનો હલ કરવો, તેનું નિરાકરણ થાય, લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, તેની જવાબદારી પ્રજાના જાહેર સેવકની હોય છે. સરકારે આવા સારા અધિકારીઓને એટલે જ નિયુક્તિ કર્યા હોય છે પણ કેટલીક વાર એવું થતું હોય છે કે, આવા સેવકો કેમ જાણે બધુય ભૂલી જતાં હોય છે, કંઈ સમજાતું નથી. કોઈ કાર્ય મોટા ઉપાડે શરૂ તો થાય છે, પણ કેટલીક વાર આવા સારા કાર્યો કે, નવીન પહેલનું તત્કાળ જ બાળ મરણ થઈ જતું હોય છે, જેથી પ્રજાના પૈસાનો સત્યાનાશ થઈ જાય છે. આવું જ કંઈક અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે બન્યું છે. બરોબર 5 વર્ષ, 11 મહિના અને 6 દિવસ પહેલા એટલે કે, 26 જાન્યુઆરી 2019 માં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે તત્કાલિન ડીડીઓ ડો.હર્ષિત ગોસાવીએ, એક સારી પહેલ અંતર્ગત પંચાયત હેલ્પ લાઈન 1800 103 5160 શરૂ કરવામાં આવી હતી, જેમાં ગંદકી, લોકોની સમસ્યા, પાણી, વીજળી, તકરારી, તલાટીની અનિયમિતતા, સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અનિયમિતતા વગેરે બાબતે કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકે, તેવો દાવો કરવામાં આવ્યો હતો, એટલું જ નહીં જો કોઈ ફરિયાદીની ફરિયાદ હેલ્પ લાઈન પર મળી હોય, તો માત્ર 24 કલાકમાં જ તેનું નિરાકરણ કરવાનો વાયદો છાતી ઠોકીને કરાયો હતો, પણ આ હેલ્પ લાઈનનું બાળ મરણ થઈ ગયું અને હવે ફરીથી આવી જ હેલ્પ લાઈનને આધુનિક બનાવી શરૂ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા પંચાયત સ્વચ્છતા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વોટસએપ નંબર 8238331515 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જે સ્થળે ગંદકી હોય તેના ફોટો અને એડ્રેસ મોક્લી શકશે. અને આ મળેલી માહિતી પર કન્ટ્રોલરૂમ માંથી જરૂરી કાર્યવાહી કરી ગંદકીનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
જિલ્લા પંચાયતનું કહેવું છે કે, આ માટે છેલ્લા 2 મહિનાથી આ સ્વચ્છતા કંટ્રોલ રૂમની તૈયારીઓ કરવામાં આવી હતી. તૈયારીના ભાગ રૂપે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જોડી એક આ વોટસએપ ગ્રુપમાં ગંદકી અંગે ફોટા મંગાવી તેના નિકાલની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાંથી મળેલી કુલ 251 રજૂઆત પૈકી 176 નો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોડાસા નગરપાલિકાના આસપાસના ગામડાઓમાં ન્યુસન્સ પોઇન્ટ ( એવી જગ્યાઓ જ્યાં વારંવાર કચરો નાખવામાં આવ્યો હોય) ત્યાં CCTV કેમેરા લગાવી યોગ્ય દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
હાલ નવીન શરૂ કરાયેલા સ્વચ્છતા કંટ્રોલ રૂમ ક્યાં સુધી અને કેટલો સમય ચાલુ રહેશે, તે માટે કોઈ છાતી ઠોકીને દાવો કરે તો ઠીક છે, બાકી તો અધિકારી ગયા અને કંટ્રોલ રૂમ પણ બંધ થઈ જશે, તે વાત નક્કી જ છે.