અરવલ્લી જિલ્લામાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી શામપુર સહિતના વિસ્તારોમાં દીપડાની દહેશત છે. છેલ્લા એક વર્ષથી સરડોઈ સહિતના વિસ્તારોમાં દીપડાઓ જોવા મળતા હોય છે, આ વચ્ચે ફરી એકવાર દીપડો જોવા મળતા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શામપુર જતાં કાર ચાલકે મોબાઈલમાં દીપડાનો વીડિયો કેદ કરતા, દીપડો હોવાના પુરાવા ફરી એકવાર જીવંત થયા છે. થોડા સમયથી દીપડો જાણે અદ્રશ્ય થયો હોય તેમ લાગતું હતું, પણ હવે દીપડાએ દેખા દીધી છે.
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે. મોડાસા તાલુકાના શામપુર પંથકમાં દીપડો મોબાઈલમાં કેદ થયો છે. શામપુર જતા માર્ગ પર કાર ચાલક પસાર થઈ રહ્યા હતા, તે સમય દરમિયાન દીપડો ત્યાંથી પસાર થયો, એટલે કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા, અને દીપડાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. શિકારની શોધમાં રાત્રીના સમયે દીપડો રસ્તા પર આવ્યો હોવાનું અનુમાન કરવામાં આવ્યું રહ્યું છે. અરવલ્લી જિલ્લાના ગોખરવા, લાલપુર, ટિંટિસર, સજાપુર, શામપુર, સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દીપડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે ફરી એકવાર દીપડો જોવા મળતા, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યા છે.