અરવલ્લી જિલ્લામાં નવા વર્ષને લઇને પોલિસ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી બુટલેગરોના નાકે દમ લાવી દીધો હતો, જોકે નવા વર્ષના પ્રથમ દિવસે જ મોડાસા ના ટિંટોઈમાં રાત્રીએ પોલિસ પર એક વ્યક્તિને માર મારવાના આક્ષેપો સાથે લોકો એકઠા થઈ ગયા હતા.
નવા વર્ષની પ્રથમ રાત્રીએ મોડાસા તાલુકાના ટિંટોઈ ખાતે, એક વ્યક્તિને પોલિસે માર માર્યો હોવાના આક્ષેપો સાથે, લોકોએ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ખાનગી ગાડીમાં ચાર વ્યક્તિઓ આવે છે અને મોબાઈલ ફોન કેમ નથી ઉપાડતો, તેમ કહીને માર માર્યો હતો. ભોગ બનનાર અને સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે મોબાઈલની વાત કરવામાં આવી રહી છે, તે મોબાઈલ ખોવાયેલ હતો, જેનું લોકેશન શોધી કથિત રીતે ખાનગી ગાડીમાં પોલિસ પહોંચી હતી, અને પોલિસે બે લોકોને માર માર્યો હતો. ભોગ બનનારે જણાવ્યું કે, જે મોબાઈલ મળ્યો હતો, તેની ડિસ્પ્લે તૂટી ગઈ હતી, જેથી કોલ રીસિલ કરવો શક્ય નહોતું. બસ આ જ વાતને લઇને પોલિસ તૂટી પડી હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એટલું જ નહીં, કેટલાક લોકો તો નશાની હાલતમાં હતા.
સમગ્ર મામલે મેરા ગુજરાતની ટીમે પોલિસનો સંપર્ક કરતા, જાણવા મળ્યું કે, જે મોબાઈલ ખોવાઈ ગયો હતો, તે મોબાઈલ કોઈ જમાદારનો હતો, આ સમગ્ર મામલે ઘટનાની હકીકત જાણવા, તપાસનો ધમધમાટ તેજ થયો છે. મોડી રાત્રે બનેલી ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને ટિંટોઈ-કુડોલ રસ્તો બંધ કરીને, પોલિસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.. ઘટનાની ગંભીરતા જોઈને, રાત્રીના સમયે પોલિસનો કાફલો પણ ખડકી દેવાયો હતો..