અરવલ્લી જીલ્લા એસપી શૈફાલી બારવાલે ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે. જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરમાં ચાઇનીઝ દોરીને વેચાણ કરવાના ફિરાકમાં ફરતા મોતના સોદાગર યુવકને ૬૦ ચાઈનીઝ દોરીની ફિરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા અને પીએસઆઇ વી.જે.તોમર તેમની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા મોડાસા સહયોગ ચોકડી નજીક આવેલ કેનાલ રોડ તરફથી બે ઈસમો ગેરકાયદેસર ચાઈનીઝ દોરીની ફિરકીઓનું બોક્ષ લઈ મોડાસા ચાર રસ્તા તરફ જનાર છે જે બાતમી આધારે સહયોગ ચોકડી નજીક એક એકટીવા આવતા તેના ચાલકને ઉભી રાખવાનો ઈશારો કરતા તેની પાછળ બેસેલ ઈસમ ચાલુ એકટિવાએ ઉતરીને ભાગવા લાગેલ અને એક્ટિવા ચાલક ચાઈનીઝ ફિરકીઓના બોક્ષ સાથે મળી આવતા પોલીસે તલાશી લેતા ફિરકી નંગ-૬૦ મળી આવેલ જે એક ફિરકી ની કિંમત રૂ.૫૦૦/- લેખે કુલ નંગ-૬૦ ની કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા એક્ટિવાની કિંમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૬૦,૦૦૦/- મુદ્દામાલ જપ્ત કરી ઈરફાન સીરાજભાઈ મેઘરજીયા રહે.૭૫ એલાયન્સ નગર ભેરૂંડા મોડાસાને ઝડપી પાડી અને ફરાર આરોપી અરસીલ મલેક રહે.એલાયન્સ નગર ભેરૂંડા મોડાસા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.