ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા કરોડો રૂપિયાના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે ફરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સીઆઈડી ક્રાઈમે 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
મળતી માહિતી અનુસાર,બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ શનિવારે (ચોથી જાન્યુઆરી) અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે,સીઆઈડી ક્રાઈમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વાત સામે આવી છે.
BZ ગ્રૂપમાં 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું
કરોડ રૂપિયાના બીઝેડ પોન્ઝી સ્કિમ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસના સકંજામાં છે. ત્યારે પરિક્ષીતા રાઠોડે ( ડી.આઇ.જી. સીઆઇડી ક્રાઇમ) પત્રકાર પરિષદ યોજી અનેક રહસ્યો પરથી પડદો ઉંચક્યો હતો. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૂછપરછમાં રોકાણની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. આ BZTRADE.inના ડેટા મેળવતા BZ ગ્રૂપમાં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત મળી આવી છે.’
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં 27મી નવેમ્બર 2024ના રોજ ફરીયાદ દાખલ થઈ હતી. ત્યારથી આરોપી મધ્ય પ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં આશરે 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જિલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી તેના 4 જુના મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ 4 નવા મોબાઇલ ફોન ખરીદ કરી તેમાં નવા 3 સીમકાર્ડ લીધા હતા. જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરતો હતો. તેના મોબાઇલ ફોનમાંથી BZ ગ્રૂપના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે.