અંકિત ચૌહાણ/જય અમીન
સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રમતવીરો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ઠેર ઠેર ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોની શરૂઆત થઈ ચુકી છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેક્ટર બંગ્લોઝ ખાતે આવેલા બેડમિંટન કોર્ટ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી. ઓપન એજ ગૃપ માટે બેડ મિંટન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને રમત-ગમત વિભાગ તેમજ યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ ની કચેરી દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતે આવેલા કલેક્ટર બંગ્લોઝ ના બેડમિંટન કોર્ટ ખાતે બેડ મિંટન સ્પર્ધા યોજાઈ હતી. ઓપન એજ ગૃપ કેટેગરીમાં મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બેડમિંટન ખેલાડીઓ આવી પહોંચ્યા હતા, જેમનો ઉત્સાહ વધારવા, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક તેમજ જિલ્લા વિકાસ અધિકારી પણ જોડાયા હતા.
અરવલ્લી જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવાએ તમામ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું, પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા કલેક્ટટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું કે, તમામ લોકોએ રમતને જીવનો હિસ્સો બનાવવો જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય સારૂ રહે અને સ્ફૂર્તિ રહે. તેમણે ઉમેર્યું કે, આગામી 2036માં યોજાનારી ઓલિમ્કિમાં ખેલાડીઓનો જુસ્સો વધે, રાજ્યના વધુમાં વધુ ખેલાડીઓ ઓલિમ્પિકમાં પહોંચે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં ખેલાડીઓએ ખેલ મહાકુંભ જેવા ઈવેન્ટમાં જોડાવું જોઈએ, જેથી રમત ક્ષેત્રે આગળ વધી શકાય. વધુમાં તેમણે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ માટે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ સંકુલ મોડાસાના સાકરિયા ખાતે નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનાથી વધુને વધુ ખેલાડીઓને તેનો લાભ મળશે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે, મોડાસા કલેક્ટર બંગ્લોઝ ખાતે આવેલા લોન ટેનિસ અને બેડમિંટન કોર્ટ તમામ ખેલાડીઓ માટે ખુલ્લો મુક્યો હતો અને જણાવ્યું કે, જે પણ ખેલાડીઓને આ બંન્ને રમતમાં ઉત્સાહ હોય અને પ્રેક્ટિસ કરવી હોય, તે અહીં આવી શકે છે, જેથી તેઓ આગળ વધી શકે અને જિલ્લાનું નામ રોશન કરી શકે.
અરવલ્લી જિલ્લા રમત ગમત વિભાગના અધિકારી પ્રકાશ કલાસવા તેમજ બેડ મિંટન કોચ અને લોન ટેનિસ કોચ સહિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.