જય અમીન/અંકિત ચૌહાણ
લાંચ કેસમાં અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે દાખલારૂપ ચુકાદો આપીને લાંચિયા તલાટીને 2 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વર્ષ 2013માં લાંચ લેવાની ઘટના સામે આવી હતી. ઓઢા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ફારૂકહુસેન ડોસુમીયાં મીરઝા, તલાટી કમ મંત્રી કે જેણે ફરિયાદી પાસે કૃષિ સહાય પેકેજ ના ફોર્મ ભરવા માટે લાંચ માંગી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા તલાટીને ઝડપી પાડ્યો હતો.
સરકારી વકીલ જે.એસ.દેસાઈ અને તેમની ટીમ
વર્ષ 2013 માં ઓઢા ગ્રામ પંચાયત ખાતે એક એસીબી થઈ હતી. જેમાં ફરિયાદીની જમીનમાં પાક નિષ્ફળ ગયો હતો, પાક નિષ્ફળ જતાં, કૃષિ રાહત પેકેજ માટે સહાય મેળવવા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો, જ્યાં તલાટી પાસે જતાં, તલાટી ફારૂકહુસેન ડોસુમીયા મીરઝાએ એક ફોર્મ દીઠ રૂપિયા 500 ની માંગણી કરી હતી. તારીખ 4-12-2013માં સમગ્ર ઘટના ઘટી હતી, જ્યાં ફરિયાદી પાસે એક ફોર્મ દીઠ 500 મળીને 1500 રૂપિયાની માંગણી કરતા, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.હિંમતનગર એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવી, આરોપી તલાટીને 1500 રૂપિયાની લાંચ લેતા, રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
સમગ્ર કેસની સુનાવણી, અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી હતી. એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. સરકાર તરફે વકીલ જે.એસ.દેસાઈએ મજબૂત પુરાવા રજૂ કરી ધારદાર રજૂઆત કરતા, જજ એચ.એન.વકીલે સમગ્ર મામલે દાખલા રૂપ ચુકાદો આપતા, લાંચિયા તલાટીને કલમ 235(2) અન્વયે ધી ભ્રષ્ટાચાર નિિવારણ અધિનિયમ 1988 ની કલમ 7 મુજબ 1 વર્ષની સાદી કેદ અને 5 હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેસ જ્યારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનયમ 1988 ની કલમ 13(1)(ઘ) મુજબ 2 વર્ષની સાદી કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાગી ફટકારતો હુકમ કર્યો હતો.