હાલ માં જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોના આઈએએસ આધિકારીઓની બદલીના આદેશ કર્યા હતા, જેમાં ખાસ કરીને પ્રોબેશન પર હોય તેવા અધિકારીઓની બદલી કરી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત એવા આઈએએસ મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીણાનો પણ સમાવેશ થયો છે. તેમનો વિદાય સમારોહ મોડાસા ખાતે યોજાયો હતો. મોડાસા ની ખાનગી હોટેલ ખાતે આયોજિત કરવામાં આવેલા દેવેન્દ્ર મીણા ના વિદાય સમારોહમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા પ્રાંત અધિકારી તરીકે દેવેન્દ્રકુમાર મીણા મૂળ રાજસ્થાનના વતની છે. મોડાસા પ્રાંત અધિકારી તરીકે છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતા હતા. તેમની હવે અરવલ્લી જિલ્લામાંથી બદલી થતાં, તેઓને શુભેચ્છા પાઠવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે શ્રીફળ આપીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલિસ વડા, જિલ્લા વિકાસ અધિકારીએ પણ દેવેન્દ્ર મીણાને શુકામનાઓ પાઠવી હતી.

મોડાસાની ખાનગી હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધિક કલેક્ટર, આર.એન.કુચારા, જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરી રાઠોડ, મોડાસા મામલતદાર ગોપી મહેતા, આ સાથે જ મોડાસા પ્રાંત વિભાગના મહેસૂલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા પ્રાંત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.





