રાજ્યમાં એક બાજુ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે તો બીજી બાજુ બુલડોઝર ખનીજ માફિયાઓ માટે ખોદકામ કરી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં દાદા ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં એવી કોઈ જ કાર્યવાહી ન થતાં, ગ્રામજનોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. મોડાસા તાલુકાના ટિંટોઈ ગામના લોકોએ જિલ્લા કલેક્ટર અને મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. ટિંટોઈ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું કે, રોયલ્ટી પરમીટ ની મંજૂરી કરતા વધુ ખોદખામ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને ગામમાંથી પસાર થતાં ડંપર રોડ તેમજ અન્ય બાંધકામોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગામમાંથી પસાર થતાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે અને બાયપાસ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
સળગતા સવાલો
ખાણ ખનીજ વિભાગે કેટલી પરમીટ આપી ?
પરમીટ સામે કેટલો જથ્થો ઉઠાવાવમાં આવ્યો ?
ખાણ ખનીજ વિભાગે સ્થળ તપાસ કરશે કે પછી ?
ખાણ ખનીજ વિભાગ પર કોઈને ભરોસો ન રહેતા મામલતદારને રજૂઆત
વારંવાર ખાણ ખનીજ વિભાગ પર કેમ ઉઠે છે સવાલો ?
ગ્રામજનોએ આવેદન પત્રમાં જણાવ્યું કે, ટિટોઈ નજીકથી ખાનગી માલિકીમાં રેલવે ની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા ગણેશ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપની ના નામે 10 હજાર મેટ્રિક ટન ની રોયલ્ટી પરમીટ લેવામાં આવી હતી. આ કંપની દ્વારા છેલ્લા 20 દિવસ માં 27/1/25 સુધી માં દરરોજ દિવસ-રાત 2000 થી પણ વધુ ઓવર લોડ ગાડીઓ કાઢવામાં આવી છે. વધુમાં રજૂઆત કરી છે કે, આ ખાનગી કંપની દ્વારા ઓવરલોડ ગાડીઓ કાઢવામાં આવી રહી છે, જે ટિંટોઈ ગામમાંથી પસાર થાય છે, જેને કારણે જાહેર બાંધકામ પણ તૂટી ગયેલા છે. અગાઉ વારંવાર ખાણ ખનીજ માં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી.
મોડાસા મામલતદારે શું કહ્યું ?
આ અંગે મોડાસા મામલતદારે ગ્રામજનોને જણાવ્યું કે, થોડા દિવસ પહેલા રાત્રીના સમયે ઓવરલોડ ટ્રક નિકળવા બાબતે જાગૃત નાગરિકની રજૂઆત મળતા, તાત્કાલિક કચેરીના અધિકારીને સ્થળ નિરીક્ષણ માટે મોકલ્યા હતા. આ સાથે જ મોડાસા મામલતદારે જણાવ્યું કે, ગ્રામજનોની રજૂઆતને ઉચ્ચ કક્ષાએ મોકલીને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામજનોની ખાણખનીજ વિભાગને રજૂઆત કરવા છતાં વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તે એક સવાલ છે. હાલ તો ગ્રામજનો અને જાગૃત નાગરિકો યોગ્ય કાર્યવાહી ક્યારે થશે, તેવી આશા સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. લોકોને ખાણ ખનીજ વિભાગ ઉપર ભરોસો ન હોવાથી, કલેક્ટર અને મોડાસા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.