અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ની કામગીરી પર હવે ચોક્કસથી સવાલો ઉઠવા લાગ્યા છે. ખાણ ખનીજ વિભાગની એટલી મોટી ટીમ છે છતાં, ખનન માફિયાઓ કેમ બેફામ બન્યા છે તે કહેવું મુશ્કેલ છે. એક ગામના લોકોની સમસ્યા હોય તો વાત માન્યામાં ન આવે, પણ બે અલગ અલગ ગામના લોકોની સમસ્યા હોય અને ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી ન કરે, તો સવાલ ચોક્કસથી ઊભા થશે.
મોડાસા તાલુકાના કાબોલા વાંટડા ગામ નજીક આવેલા ધોલીયા ગામની સીમમાં ક્વોરીનો કાયદેસરનો રસ્તો હોવા છતાં ધોલીયા ગામમાંથી પાસ થાય છે, જેને કારણે ગ્રામજનોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ સાંભળતું ન હોવાથી આખરે કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા હતા, અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ પોતાની હૈયા રૂદન ઠાલવતા કલેક્ટરને આવેતન પત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, વાંટડા ગ્રામ પંચાયત ના ગૌચર માં બિન કાયદેસર રસ્તો બનાવી આશરે 5 હજાર ની વસ્તી ધરાવતું વાંટડા ગામમાં ધૂળ ઉડે છે. માનવ વસાહતો હોવાથી માણસોનું આરોગ્ય જોખમાયું છે. વારંવાર ગામ લોકોની રજૂઆત કરવા છતાં કવોરી ના માલિક દ્વારા ગામજનો વિરૂદ્ધ પોલિસમાં અરજી કરી માથાભારે શખ્સો દ્વારા હેરાનગતિ કરાવવામાં આવે છે. ગ્રામજનોએ ક્વોરી માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ વાંટડા ગામ વચ્ચેથી પસાર થતો કોઈપણ એપ્રોચ રોડ ઉપરથી ભારે વાહનોની અવર-જવર ન થાય તેવી માંગ કરી છે.
ગ્રામજનોના ગંભીર આરોપ
ગ્રાજનોનું કહેવું છે કે, પાણીના સ્તર ઉપર લાવવા માટે સરકારે કરોડો ના ખર્ચે ચેક ડેમ બનાવ્યો હતો. આસપાસના વિસ્તારોમાં પાણીનું સ્તર ઊંચુ આવે, તે માટે ચેકડેમ બનાવ્યા હતા, જોકે ક્વોરી ના સંચાલકો અને કામ કરતા લોકોએ ચેકડેમમાં ડુંગરીના મોટા પત્થરો નાખી પૂરી નાખી ચેક ડેમને નુકસાન કર્યું છે. ગ્રામજનોનું એમ પણ કહેવું છે કે, ધુળ ઉળવાને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. ગ્રામજનોએ ભારે સુત્રોચ્ચાર કરી તંત્રના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રામજનોની માંગ
ધોલીયા ગામના લોકોએ તેમની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે, કવોરી નો કાયદેસર નો રસ્તો ધોલીયા તથા મડાસણાકંપા તરફના પાકા રસ્તેથી અવર જવર કરવાનો છે. વાંટડા ગ્રામ પંચાયત ના રેકર્ડે આવો કોઈ રસ્તો નથી. આ સાથે જ ગ્રામ સભાની મીટિંગ કરી સમસ્ત ગ્રામજનોની હાજરીમાં ઠરાવ કરેલ છે કે, વાંટડા પંચાયત ના ગૌચર બિન કાયદેસર રસ્તો તથા ખનન બંધ થાય.