29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અમેરિકા : 286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી

અમેરિકા : 286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી

0
141

 

ભારત જ નહીં આખી દુનિયા નવ મહિના એટલે કે લગભગ 286 દિવસથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ. માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે. ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અવકાશ યાત્રીઓ સાથે આઈએસએસથી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતું. ઉલ્લેખનીય છે કે 8 દિવસ માટે મિશનની શરૂઆત કરાઈ હતી પણ તેને પૂર્ણ કરવામાં 9 મહિનાનો સમય લાગી ગયો.

નાસાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે પરંતુ ત્યાં ગુરૂત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતાં અનેક વિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. તેમને અસ્થિરતા, ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વિલ્મોર અને વિલ્યમ્સ બોઇંગનાં સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં 5 જૂન 2024ના રોજ કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને અવકાશયાત્રી માત્ર આઠ દિવસના મિશન માટે જ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતાં. પરંતુ સ્ટારલાઈનરમાં યાંત્રિક ખામી, હિલિયમના લિકેજ તથા ગતિ ધીમી પડવા જેવી મુશ્કેલીઓના કારણે આઈએસએસ પર તેમનું રોકાણ લગભગ નવ મહિના સુધી લંબાઈ ગયું હતું.

સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષ યાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલન ચલનમાં અસ્થિરતા આવશે. તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળક (નવજાત-શિશુ)ના પગના તળીયા જેવા કોમળ થઈ જાય છે.

હ્યુસ્ટન સ્થિત બેલર કોલેજ ઓફ મેડીસીનના તબીબો જણાવે છે કે જયારે અંતરિક્ષ યાત્રી પૃથ્વી ઉપર પાછા આવે છે ત્યારે તેમને ગુરૂત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. તેને ચાલવામાં મુશ્કેલી થાય છે. તે ઉપરાંત પોતાની દ્રષ્ટિ સ્થિર રાખવામાં પણ મુશ્કેલી થાય છે. ચાલવાની તો સમસ્યા હોય જ છે. પરંતુ બેઠા પછી ઉભા થવામાં પણ મુશ્કેલી અનુભવે છે. તેથી પૃથ્વી પર આવ્યા પછી અંતરિક્ષ યાત્રીને તુર્ત જ વ્હીલ-ચેરમાં બેસાડી દેવામાં આવે છે. પરંતુ અંતરિક્ષ યાત્રીને પૃથ્વી પર પહેલા જેવું જીવન શરૂ કરવામાં કેટલાએ સપ્તાહ લાગે છે. મુશ્કેલી તો તે છે કે કાનમાં રહેલી વેસ્ટિબ્યુલર (કોંચીન)માં રહેલું પ્રવાહી પ્રાણીને (માનવીને) પોતાનું શરીર સંતુલિત કરવામાં સહાયરૂપ થાય છે.

જાપાની અંતરિક્ષ એજન્સી જે.ઓ. એક્સ આ માહિતી આપતા કહે છે કે વેસ્ટિબ્યુલર અંગોથી પ્રાપ્ત થનારી માહિતીમાં પણ બદલાવ આવે છે. તેથી મગજ ભ્રમિત થઈ જાય છે. સ્પેસ-સિકનેસ આવે છે. તો કોઇવાર ગ્રેવિટી-સિકનેસ પણ આવે છે. જેમાં લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે. ગુરૂત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે. પરંતુ સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!