વીજ લાઈન અને ટ્રાન્સફોર્મરની નબળી જાળવણી સામે સ્થાનિકોમાં રોષ
નાના ધંધાકીય એકમો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ મુશ્કેલીમાં
અરવલ્લી જિલ્લાના ભિલોડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતા અને વારંવાર વીજ પ્રવાહ ખોરવાઈ જવાની સમસ્યા છે. અવારનવાર થતા અઘોષિત વીજ કાપ અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં લો-વોલ્ટેજના પ્રશ્ને સ્થાનિક પ્રજાજનો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
દિવસ અને રાત્રી દરમિયાન કોઈ પણ સમયે વીજળી ગુલ થઈ જવાની સામાન્ય ઘટના બની ગઈ છે.કોઈપણ પૂર્વ સૂચના વગર લાઈટો બંધ થઈ જવાથી રોજિંદા જીવનની સાથે-સાથે વ્યાપાર-ધંધાને પણ માઠી અસર પહોંચી રહી છે.ખાસ કરીને ઉદ્યોગો, શોપિંગ સેન્ટરો, ફ્લોર મિલ, દરજી, સુથાર, વેલ્ડિંગ જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા શ્રમિકો અને વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર
વર્તમાન સમયમાં શૈક્ષણિક સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, અવારનવાર વીજળી ડુલ થઈ જવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે.સાંજના સમયે લાઈટ જતી રહેવાથી બાળકોને હોમવર્ક કરવામાં અને પરીક્ષાઓની તૈયારી કરવામાં હાલાકી વેઠવી પડે છે.
જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ વિતરણ વ્યવસ્થા સુધારવા માટે યોગ્ય પગલા લેવામાં આવે, વીજ લાઈન લોસ કે ક્ષતિ સુધારવા માટે મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજળી કાપ મૂકવામાં આવે છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી ?
તાત્કાલિક નિરાકરણ લાવવા લોકમાંગણી યથાવત…
વીજ તંત્રની આબરૂ ખરાબ કરી રહેલી અનિયમિત વીજ સેવા સામે ત્વરિત પગલા ભરવામાં આવે તેવી ગ્રામજનો, વેપારી મંડળ અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.વહેલી તકે વીજ પ્રવાહ નિયમિત નહીં થાય અને લો-વોલ્ટેજની સમસ્યા દૂર નહીં કરવામાં આવે તેવી બુલંદ બળવત્તર માંગણી છે





