શામળાજી પોલીસ ની ટીમે અણસોલથી શામળાજી તરફના નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. હાઇવે પર શંકાસ્પદ રીતે જઈ રહેલી નંબર વગરની સફેદ કલરની અલ્ટો કે-૧૦ કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં, ચાલકે કાર રોડ સાઇડે ઊભી રાખી દીધી હતી અને રોડની રેલિંગ કૂદી સર્વિસ રોડ થઈ શામળવન તરફ નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની ૩૮ પેટીઓ (કુલ ૧,૧૭૬ બોટલ/ક્વાટર/ટીન, કિંમત રૂ. ૩,૦૫,૩૦૪/-) મળી આવી હતી. પોલીસે અલ્ટો કાર સહિત કુલ રૂ. ૬,૦૫,૩૦૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અરવલ્લી એસપી મનોહરસિંહ. જાડેજા દ્વારા રાજસ્થાન સરહદેથી થતી દારૂની હેરાફેરી અટકાવવા શામળાજી પી.આઇ. એસ.એસ. માલ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાંજના સમયે અણસોલથી શામળાજી તરફના હાઇવે રોડ પર પોલીસ વાહનની આગળ એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સફેદ રંગની મારૂતિ સુઝુકી અલ્ટો કે-૧૦ ગાડી જતી જણાઈ હતી. પોલીસે સરકારી વાહનને અલ્ટો ગાડીથી થોડે આગળ ઊભું રાખી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોતાં જ અલ્ટો કારના ચાલકે ગાડી તાત્કાલિક હાઇવેની સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને એન્જિન બંધ કરી દરવાજો ખોલી રોડની રેલિંગ કૂદીને સર્વિસ રોડ મારફતે શામળવન તરફ દોડી ગયો હતો.
પોલીસ જવાનોએ તેનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ પોલીસે બિનવારસી હાલતમાં પડેલી અલ્ટો કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ ૩૮ પેટીઓ જપ્ત કરી ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.





