સામાન્ય રીતે બસ માં કે રસ્તામાંથી પાકિટ મળી આવવાની ઘટનાઓ ઘટતી હોય છે, મોટા ભાગના કિસ્સાઓમાં આવા પાકિટ કે અન્ય ચીજવસ્તુઓ મળવી કદાચ મુશ્કેલ બને છે અને કેટલીકવાર ભોગ બનનારને તેની મોટી કિંમત ચુકવવી પડે છે કારણ કે, પાકિટમાં કેટલાક ઉપયોગી દસ્તાવેજો હોય છે. કેટલાક કિસ્સાઓમાં આવી ઘટનાઓમાં ભોગ બનનારને તેની ખોવાયેલી ચીજવસ્તુ પાછી મળતી હોય છે, અને તેની પાછળનું કારણે એક પ્રામાણિક વ્યક્તિ છે. જવલ્લે જ આવું બનતું હોય છે કે, ખોવાયલ વસ્તુ જે – તે વ્યક્તિને પરત મળે, પણ આવું થયું છે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં.
મોડાસા એસ. ટી. બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા કંડક્ટરને એક વોલેટ મળ્યું હતું, જેમાં અંદાજે વીસ હજાર રૂપિયા હતા. આ સાથે જ વોલેટમાં આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો હતા. આસપાસ તપાસ કરતા કોઈ મળ્યું નહીં. જેમ – તેમ કરીને મુસાફરનો સંપર્ક શોધી કાઢ્યો અને મહિલા કંડક્ટર (બેઝ નંબર 2288) હિરલબેન વાઘેરાએ મુસાફરનું ખોવાયલ વોલેટ પરત કરીને પ્રામાણિકતા બતાવી હતી.





