મેઘરજમાં યોજાયેલી બેઠક બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ઉગ્ર રજૂઆત, ₹2,500ના ઇન્સેન્ટિવ અંગેની ગેરસમજ દૂર થઈ, એક વર્ષના બાકી ઇન્સેન્ટિવ ચૂકવવાની ખાતરી
મોડાસા/મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને લઈને કવિના યુનિયન સાથે જોડાયેલી આશા બહેનો સ્વયંભૂ હડતાળ પર હતી. આશા બહેનોનો આક્ષેપ હતો કે તેમના પ્રશ્નો અંગે યોગ્ય રજૂઆત અને નિરાકરણ ન મળતાં તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
આ પરિસ્થિતિમાં આશા બહેનોએ ઇન્ડિયન સંગઠનના આગેવાનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સંગઠનના આગેવાનો મેઘરજ પહોંચી આશા બહેનો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરી આશા બહેનોના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન આશા બહેનોના ₹2,500ના ઇન્સેન્ટિવ અંગે રહેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી. ઉપરાંત છેલ્લા એક વર્ષથી બાકી રહેલા ઇન્સેન્ટિવની રકમ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે તેવી ખાતરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી હતી.
આ ખાતરી બાદ આશા વર્કર બહેનોએ પોતાની સ્વયંભૂ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સમગ્ર પ્રક્રિયા બાદ અરવલ્લી જિલ્લાના આશા વર્કર બહેનોના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કામગીરી અંગે ચર્ચા કરવા જિલ્લા સ્તરની બેઠક પણ બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પ્રશ્નોના કાયમી ઉકેલ, સંગઠનની મજબૂતી અને આરોગ્ય સેવાઓને અસરકારક રીતે આગળ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી મળી છે.






