મહેન્દ્ર બગડા
4 જૂનના અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડ પર વીરાંજલી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. શું છે વીરાંજલી ? કોણ છે આ વીરો? કોણ કરી રહ્યું છે આ મેગા મ્યુઝીકલ શો ?મૂળ વ્યવસાયે શિક્ષક, લેખક, ગીતકાર અને સાથે જ ગુજરાતના સૌથી લોકપ્રિય હાસ્યકાર અને ડાયરાની આન બાન શાન એવા સાંઈરામ દવે. છેલ્લા ચૌદ વર્ષથી વીરાંજલી કાર્યક્રમ અલગ અલગ ફોર્મેટથી કરતા હતા. આ કાર્યક્રમ માત્ર બે ચાર કલાકનું પરફોર્મન્સ નહિ પણ સાંઈરામના હૃદય અને લાગણી સાથે જોડાયેલો કાર્યક્રમ છે.
ગુજરાતના કેટલાક સૌથી વધુ ફી લેતા કલાકારોમાં સાંઈરામ દવેનું નામ આવે છે. તેમના શોની દેશ વિદેશમાં જબ્બર ડીમાન્ડ રહેતી હોય છે. સાંઈરામનો શો ત્રણ મહિના પહેલા બુક કરાવવો પડે. પોતાના હાસ્ય કાર્યક્રમ અને ડાયરા દ્વારા સાંઈરામ ખાસ્સા લોકપ્રિય અને હિટ થયા છે. પરંતુ સાંઈરામનુ દિલ આટલી સફળતા પછી પણ ભરાયું ના હતું. તેઓને સતત લાગતું હતું કે કંઈ ઓછું છે.
હું જેમાં ખૂબ માનુ છું, મ મારું દિલ જેના માટે ધડકે છે, જે નામ સાંભળી હું યુવાન થયો છું એવા દેશભક્તો માટે મારે કંઈક કરવું છે.સાંઈરામ દવે આજે પણ જ્યારે શહિદ ભગતસિંહ,સુખરામ કે ઝાંસીની રાણીની વાત કરે ત્યારે તેમની આંખમાં લોહી ધસમસી આવે સાથે સાથે આઁસુ અને રુંવાડા ઉભા થઈ જાય છે.
સાંઈરામ વીરાંજલી સાથે ઈમોશનલી ખૂબ જ એટેચ છે. તેના લાખો રુપિયાની ફીના કાર્યક્રમો પણ તેઓ વીરાંજલી માટે ઠુકરાવી દે છે.એક શિક્ષક તરીકે સાંઈરામે વિર ભગતસિંહથી લઈ ઝાંસીની રાણી અને સુખદેવથી લઈ અને આઝાદી માટે બલિદાન આપી ચુકેલા શહિદોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમને લાગ્યું કે જેમના કારણે આઝાદી મળી, જેમના કારણે લોકતંત્ર સ્થપાયું તે વીરો, તે સપૂતોને તો કોઈ સાચી રીતે ઓળખતું જ નથી!
ભાજપના યુવા લોકપ્રિય નેતા પ્રદિપસિંહ વાધેલા પણ સાંઈરામ દવેના મિત્ર હોવાની સાથે તેમના રંગે રંગાયેલા. પોતાના વતનમાં દર વર્ષે વીરાંજલી નામે સાંઈરામ દવે સાથે કાર્યક્રમ યોજે. આખા કાર્યક્રમમાં માત્રને માત્ર શહિદોને નમન, શહિદોની વીરતાની વાતો. બીજુ કંઈ નહી.બંને મિત્રોને લાગ્યું કે નવી પેઢીને આપણા વીર શહિદો વિશે કોઈ માહિતી જ નથી. કંઈક કરવુ જોઈએ. સાંઈરામનો વિચાર, પ્રદિપસિંહનું જોમ અને જીતેન્દ્ર બાંધણીયા અને અમિત દવેની પરિકલ્પના એ જન્મ આપ્યો વીરાંજલી ને.
વીરાંજલી કાર્યક્રમ માણનાર કહે છે કે, આખા શો દરમિયાન એક વખત નહીં પરંતુ અનેક વખત હૃદય ધબકાર ચુકી જાય છે,આંખમાથી આંસુ સરી પડે છે,લોહીની નસો ફુલી જાય છે અને રગ રગમાં દેશભક્તીનું ધોડાપુર આવે છે.

સાંઈરામ કહે છે કે આ કાર્યક્રમએ દેશભક્તિની વેકસીન છે. ભુલાઈ ગયેલા કે ઓછા જાણીતા શહીદોને અંજલી છે.આ શોની લોકપ્રિયતા એટલી છે કે એક સાથે પાંત્રીસ હજાર દર્શકો એક સાથે આ શો નિહાળે છે. મહિલાઓ, બાળકો, અબાલ વૃધ્ધ સહુ અને પીનડ્રોપ સાયન્સ સાથે દર્શકો પણ પોતાના વીરોને નમન કરે છે. શો દરમિયાન ટાંચણી પડે તો પણ સંભળાય એટલી શાંતી સાથે એક સાથે પાંત્રીસ હજાર દર્શકો શો નિહાળે તે એક વિરલ ઘટના છે.
આ શોનુ સંપુર્ણ ડીરેક્શન જીતેન્દ્ર બાંધણીયા કરે છે. અમિત દવે સંપુર્ણ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચાલે તેની સંભાળ રાખતા હોય છે.ગુજરાતીઓ શું શાં પૈસા છાપ પ્રજા છે તે કહેવાત વીરાંજલી ખોટી પાડી છે. જે ઉત્સાહ અને ઉમંગથી દર્શકોના ધોડાપુર આ કાર્યક્રમ જોવા આવે છે તે અવિસ્મરણીય છે.
આવતી કાલે અમરેલીના ચિત્તલ રોડ પર આવેલા ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાં વીરાંજલી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સ્થાનિક કલેક્ટર અને ચૂંટાયેલા પદાધિકારીઓ અમરેલીની જનતાને આ શોમાં હાજર રહી આ ઐતિહાસીક ઘટનાના સાક્ષી બનવા નિમંત્રણ પાઠવી રહ્યાં છે.


