36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે ચરખો કાંતશે, PM મોદી રહેશે ઉપસ્થિત


ગાંધીનગર, 26 ઓગસ્ટ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. માનનીય વડાપ્રધાનશ્રીએ ખાદીને ખુબ પ્રોત્સાહન આપ્યું છે અને તેના લીધે ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રી સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

Advertisement

દેશમાં વર્ષ 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો
દેશમાં ખાદી ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. KVIC મુજબ દેશમાં ખાદીના ઉત્પાદનમાં 172 ટકાનો વધારો થયો છે અને વર્ષ 2014થી તેના વેચાણમાં 245% નો વધારો થયો છે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને “ચરખા ઉત્ક્રાંતિ”ને પણ દર્શાવવામાં આવશે. ચરખા ઉત્ક્રાંતિમાં “યરવડા ચરખા”ની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થાય છે જેમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓ દર્શાવવામાં આવશે. આ “ચરખા ઉત્ક્રાંતિ” પ્રદર્શનની માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવશે.

Advertisement

જેટલી ગંગા પવિત્રતા છે, એટલી જ પોન્ડુરુ ખાદી પવિત્ર છે: મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીએ યંગ ઈન્ડિયામાં પોન્ડુરુ ખાદી વિશે લખતા તેને ગંગાથી પણ પવિત્ર ગણાવી હતી. મહત્વપુર્ણ છે કે પોન્ડુરુ ખાદી એ આંધ્રપ્રદેશના પોન્ડુરુ ગામથી સંબંધ ધરાવે છે જ્યાં હાલ 1200 જેટલા લોકો ખાદી વણાટના કામ સાથે જોડાયેલા છે. જેઓ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન વડાપ્રધાન સમક્ષ કરશે. આ ખાદીની વિશેષતા એ છે કે તેમાં કપાસ કાઢવાથી લઇને ખાદીનું કાપડ બનાવવાની સમગ્ર પ્રક્રિયા હાથથી જ કરવામાં આવે છે.

Advertisement

ખાદી સાથે સંકળાયેલો ભારતનો વર્તમાન અને ઈતિહાસ
ખાદીનું બીજું નામ ‘ખદ્દર’ પણ છે અને તે ગ્રામીણ ભારત માટે આજીવીકાનું એક મહત્વનું માધ્યમ છે. ખાદીના કાંતણ અને વણાટે ભારતના નાગરિકોને વધુ આત્મનિર્ભર બનાવીને બ્રિટિશ સામ્રાજ્યને વિખેરી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ગાંધીજીની ‘વિદેશી માલસામાનના બહિષ્કાર’ની નીતિએ આઝાદી મેળવવા માટે પાયાના પત્થરની ભૂમિકા ભજવી છે, તેથી તેમણે વ્યૂહાત્મક રીતે આ માટે ચરખાને એક સાધન તરીકે અપનાવ્યું. હાલના સમયમાં આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની નવી પેઢીને ખાદી વિશે અવગત કરાવીને તેનો ઉપયોગ વધારવા માટે “Khadi for Fashion, Khadi for Nation, Khadi for Transformation” ના માનનીય વડાપ્રધાનશ્રીના મંત્રને છેવટ સુધી પહોંચાડવાનો છે.

Advertisement

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના માનનીય કુટીર ઉદ્યોગ મંત્રી પણ સંબોધન કરશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઓફિસ બિલ્ડીંગનું ઈ-ઉદઘાટન, માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખાદી પર એક ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવશે જેમાં ખાદીના પરંપરાગત ફેબ્રિકથી લઈને આજના ફેશન સ્ટેટમેન્ટ સુધીની પ્રગતિ, ખાદી દ્વારા મહિલા સશક્તિકરણ, ભારતની અર્થવ્યવસ્થામાં ખાદીનું મહત્વ અને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ખાદીના વિકાસમાં આપવામાં આવતા સતત પ્રોત્સાહનને દર્શાવવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!