ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લાની બાકી રહી ગયેલ બાયડ અને ભિલોડા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. છેલ્લા એક સપ્તાહથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલતો હતો અને છેલ્લી ઘડીએ કોંગ્રેસે ટિકિટ જાહેર કરતા હવે નારાજગી સામે આવી છે. બાયડ વિધાનસભા બેઠક પર મહેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરાઈ છે અને સીટિંગ ધારાસભ્ય જશુ પટેલનું પત્તુ કપાતા તેમના નિવાસસ્થાને સન્નાટો અને સમર્થકમાં નારાજગી જોવા મળી હતી.
છેલ્લા દસ દિવસે કોંગ્રેસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા મહેન્દ્રસિં વાઘેલા કોંગ્રેસમાં જોડાતા જ સીટિંગ ધારાસભ્ય જશુ પટેલ દિલ્હી અને અમદાવાદના ચક્કર લગાવવાના શરૂ કર્યા હતા, જોકે મોડે મોડે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી યાદી જાહેર કરતા જશુ પટેલનું નામ નહીં આવતા ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. તો બીજી બાજુ મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળતા બાયડમાં આતિશબાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ બાયડના મુખ્ય માર્ગો પર ઉજવણી કરી હતી.તો બીજી બાજુ ભિલોડા બેઠક પર ઉમેદવારોની મોટી યાદી હતી જેને લઇને કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તેને લઇને છેલ્લી ઘડી સુધી મંથન ચાલતુ હતું આખરે ભિલોડા બેઠક પર રાજેન્દ્ર પારઘીના નામ પર મહોર લાગી હતી.