અરવલ્લી જિલ્લામાં આ વખતની ચૂંટણીએ લોકોને મુંજવણમાં મુકી દીધા છે. પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ જામતો હતો જોકે આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને ખેલ બગાડી શકે છે, આવી પરિસ્થિતિમાં કોણ જીતશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સરેરાશ ત્રણ ટર્મથી જિલ્લામાં કોંગ્રેસનું શાસન છે ત્યારે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પણ હવે ભાજપની ચિંતા વધી હોય તેવું પણ લાગે છે.
અરવલ્લી જિલ્લામાં ભાજપે સત્તા પર આવવા દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા હતા જોકે, મતદારોનો મિજાજ કઈ બાજુ ગયો છે તે હજુ રાજકીય નેતાઓ કે વિશ્લેષકો નક્કી કરી શક્યા નથી. હવે મતદારો ખૂબ જ હોંશિયાર છે કારણ કે, દરવર્ષે નેતાઓ છેતરી જતા હતા પણ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ સામે આવી છે, એટલું જ નહીં આ ચૂંટણીમાં ઉમેદવાર પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પક્ષ કરતા ઉમેદવારના વિચારો, મતદારો સાથેનો વ્યવહાર તેમજ અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને મતદારોએ પોતાનો મત આપ્યો હોય તેવું લાગે છે.
આ વખતની ચૂંટણીમાં મતદારોએ મોંઘવારીના મુદ્દાને પણ ધ્યાને લીધું હોય તેવા અભિપ્રાયો રજૂ કર્યા હતા તો અરવલ્લી જિલ્લામાં રોજગારી, આરોગ્ય સેવાઓ, શિક્ષણ સંસ્થાનો તેમજ રેલવે ના મુદ્દાને લઇને પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
તમામ રાજકીય પાર્ટીના કાર્યકરો અને આગેવાનો છાશવારે ફોન કરીને વિશ્લેષકો તેમજ આગેવાનો સાથે વાતચીત કરીને માહિતી મેળવી રહ્યા છે પણ કોઈપણ તારણ કાઢવામાં ભાજપ-કોંગ્રેસ કે આપ નિષ્ફળ નિવળ્યા છે. હવે 8 ડિસેમ્બરના રોજ ખ્યાલ આવી શકે છે કે, મતદારોએ કયા ઉમેદવાર અને કયા પક્ષને પોતાની પસંદ બનાવી છે.