અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર વિદેશી દારૂનો વેપલો થાય છે તેમાં કોઈ બે મત નથી, આવું કેમ થાય છે તે સવાલ પોલિસ જ આપી શકે કારણ કે, કોઈની મિલીભગતથી જ આવું કદાચ શક્ય છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનની નાક નીચે ગણેશપુર અને ડુંગરી વિસ્તારમાં વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થાય છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા બે પોલિસ કર્મચારીઓ દોલતસિંહ અને નરેન્દ્રસિંહની જિલ્લા પોલિસ વડાએ બદલીનો આદેશ કર્યો છે. બંન્ને કર્મચારીઓને હવે હેડક્વાર્ટર ખાતે મુકી દેવાયા છે.
આ પણ વાંચો – https://meragujarat.in/news/17628/
મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનમાં છેલ્લા ઘણાં સમયથી એક જ જગ્યાએ સ્થાયી થયેલા નરેન્દ્રસિંહની આખરે જિલ્લા પોલિસ વડાએ બદલી કરી છે તો પહેલા ટાઉન પોલિસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા ત્યારબાદ થોડો સમય એસ.ઓ.જી. માં ગયા અને પાછા ડી સ્ટાફમાં આવેલા અને ઘણાં સમયથી કાર્યરત દોલતસિંહની પણ જિલ્લા પોલિસ વડાએ બદલીનો આદેશ કર્યો છે. આ સાથે જ મોડાસા ટાઉન પીઆઈની બદલી થાય તેવા પણ ભણકારા વાગી રહ્યા હોવાની પોલિસ બેડામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગુનાનું પ્રમાણ વધ્યું હતું તો ડુંગરી તેમજ ગણેશપુર વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ પણ વધવા લાગ્યું હતું, ત્યારે પોલિસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે પોલિસ વડાએ કાર્યવાહી કરીને બંન્ને કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે બદલી કરી દીધી છે. હવે જોવું એ રહ્યું કે, કેટલો સમયે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે…?