ઉત્તરાણયનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે કેટલાય પક્ષીઓ દોરીથી ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પશુૃ-પક્ષીઓ ઘવાયા છે જોકે વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમ સતત ખડેપગે રહી ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર કરી છે. મોડાસા તાલુકામાં પણ વન વિભાગ અને દયા ફાઉન્ડેશન સહિત કરૂણા અભિયાનની ટીમ દ્વારા સતત આવા પક્ષીઓને બચવવા માટેની જહેમત ઉઠાવી છે.
મોડાસા તાલુકાના રમાણા પંથકમાં મોડી સાંજે બગલાઓ તડપતી હાલતમાં હોવાનો કોલ મળતા જ વન વિભાગ, દયા ફાઉન્ડેશન તેમજ કરૂણા અભિયાનની ટીમ પહોંચી હતી જ્યાં 13 બગલાના મોત નિપજ્યા હતા તો 9 જેટલા બગલા ની હાલત પણ ગંભીર હતી. ગંભીર થયેલા બગલાને તાત્કાલિક મોડાસા ચાર રસ્તા ખાતે તૈયાર કરાયેલા કરૂણા અભિયાન પક્ષી સારવાર કેન્દ્રમાં લાવીને સારવાર કરવામાં આવતા તમામ 9 બગલાને બચાવી લેવાયા છે. પ્રાથમિક તપાસમાં ઠંડીથી ઠૂંઠવાઈ જવાને કારણે બગલાના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉત્તરાયણના પર્વને લઇને કરૂણા અભિયાન થકી પક્ષીઓને બચાવવા માટેની વિશેષ ઝૂંબેશ વન વિભાગ તેમજ દયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.