હાલના સમયમાં સામાન્ય વાતચીતમાં બાળકો ન કરવાનું કરી બેસે છે. કેટલીક વાર માતાપિતા ઠપકો આપે તો બાળકો આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે. તો કેટલાક બાળકો ઘરે જાણ કર્યા વગર ઘરેથી ભાગી જાય છે અરવલ્લી જીલ્લાના ધનસુરા પંથકમાં ધો.10માં અભ્યાસ કરતી સગીરાને ઘરકામ અંગે માતા-પિતાએ ઠપકો આપતા રાત્રીના સુમારે ઘરથી નીકળી ધનસુરા બસસ્ટેન્ડમાં બેસી રડતી હોવાનો 181 અભયમ ટીમને મેસેજ મળતા તાબડતોડ ધનસુરા બસ સ્ટેન્ડ પહોંચી સગીરાનું કાઉન્સલીંગ કરી પરિવારને સુપ્રત કરી હતી
અરવલ્લી 181 અભયમ હેલ્પલાઈન ટીમના ચેતનાબેન ચૌધરીને ધનસુરા બસ સ્ટેન્ડમાંથી રાત્રીના 11 વાગ્યાના સુમારે ફોન દ્વારા એક સગીરા બેસી રહી રડતી હોવાનો ફોન આવતા તાબડતોડ ધનસુરા પહોંચી સગીરાની પૂછપરછ કરતા ધો.10માં અભ્યાસ કરતી હોવાનું અને ઘરકામ અંગે માતા-પિતાએ ઠપકો આપતા સહન નહીં થતા ઘર છોડી નીકળી ગઈ હોવાનું અને ઘરે પરત ન જવું હોવાની જીદ કરતા અભયમની ટીમે સગીરાનું કાઉન્સલીંગ કરતા આખરે સગીરાએ તેના માતા-પિતાનું નામ અને સરનામું જણાવતા તેમનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવતા ઘર છોડી નીકળી ગયેલી દીકરી મળી આવતા રડતા પરિવારની આંખોમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા.
સગીરાના માતા-પિતાએ 181 અભયમ ટિમનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સામાન્ય ઠપકો આપતા તેમની દીકરી રાત્રીના સુમારે ઘરથી નીકળી ગઈ હતી આજુબાજુ શોધખોળ હાથધરી હોવા છતાં ક્યાંય ન મળતા દીકરી સાથે અઘટિત ઘટનાનો ભોગ ન બને કે આત્મહત્યાતો નહીં કરે સહીતની ચિંતામાં રડતા રહ્યા હતા ત્યારે અભયમ માંથી પુત્રી સહી સલામત હોવાનો ફોન આવતા જીવમાં જીવ આવ્યો હતો અને પરિવારને પુત્રી મળી જતા હાશકારો અનુભવ્યો હતો