રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત થી લઇને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર થી લઇને કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાન અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું થયું છે તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ભાવનગર સહિતના જિલ્લાઓમાં કરા પડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને લીંબડી શહેરી વિસ્તાર સહિત શિયાણી, ગડથલ, જાંબુ, નાના ટિંબલા, મોટા ટિંબલા, રાણાગઢ સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને એરંડા, ઘઉં, જીરું સહિતના પાકોને મોટાપાયે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે.
બોટાદ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના બરવાડા તાલુકામાં પણ માવઠું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ખેડૂતોની ચિંતા વધી છે. બરવાળા તાલુકાના નભોઈ, પીપરીયા, ભીમનાથ, પોલારપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
તો બીજી બાજુ ભાવનગર જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના સિહોર અને આજુબાજુ ના ગામોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. તળાજા તાલુકાના ઠળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વાગરા તાલુકાના બદલપુર ગામે વીજળી પડતા એક વ્યક્તિ દાઝ્યો હોવાની ઘટના સામે આવી છે. આમલીના ઝાડ નીચે સુઈ ગયેલ આધેડ પર વીજળી પડી હતી, જેને લઇને ગંભીર રીતે દાઝેલ આધેડને સારવાર માટે ખસેડાયો હતો. તો જંબુસર તાલુકાના ટૂંડજ ગામ ખાતે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ બાજુ ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં માવઠાએ મુશ્કેલીઓ વધારી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં મોડી રાત્રે એક ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે જ મોડાસા, માલપુર, મેઘરજ તેમજ ભિલોડા પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે માવઠું થતાં ખેડૂતોના ઘઉં, એરંડા, રાયડો, બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.