દાવાની રકમ રૂા.૧૬,૭૫,૦૭૦ સહિત ફરિયાદ ખર્ચ તેમજ માનસિક ત્રાસ પેટે ૧૦ હજાર ચૂકવવા વીમા કંપનીને હુકમ કરાયો
બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ નારણભાઇ આસલની ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખી ફરિયાદીની તરફેણમાં ગ્રાહકલક્ષી ચુકાદો
બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ICICI lombard general insurance company Itd ને તેના પોલિસી ધારકને ૯ % ના સાદા વ્યાજ સહિતની રકમ તેમજ ફરીયાદીને ફરીયાદ ખર્ચ પેટે રૂા.૫,૦૦૦/– તેમજ માનસિક ત્રાસના રૂા.૫,૦૦૦/– કુલ મળીને રૂા.૧૦,૦૦૦/–(અંકે રૂપિયા દસ હજાર પૂરા) ચુકવી આપવાનો હુકમ કર્યો છે. નામ. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ અને અરજદારશ્રીએ આપેલા પુરાવાઓને આધારે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી નારણભાઇ આસલની કરેલ ધારદાર રજૂઆતોને આધીન બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ પંચે આ હુકમ કર્યો છે.
ડીસાના ફરીયાદી શ્રીમતી જમનાબેન આઈ.ડાભીના મૃતક પતિ ઈશ્વરભાઈ ડાભી દ્વારા ડીસા ખાતે ફલેટ ખરીદવા લોનની જરૂર હોઈ ૨૪૦ મહિના સુધીની રૂા.૨૧,૦૦,૦૦૦/– ની લોન માસિક હપ્તાની રકમ રૂા.૧૮,૦૯૨/- ૧૭.૧૦% વ્યાજ દર વાળી લોન મેળવેલ હતી.
ફરીયાદીના પતિને રોજ કોવિડ–૧૯ નું નિદાન થયેલ હોઈ RTPCR રીપોર્ટ કરવામાં આવતા પોઝીટીવ આવેલ તેમ છતાં ડોકટરો અને હોસ્પિટલોના અભાવે ડોકટરની સૂચના મુજબ ફરીયાદીના પતિએ ઘરે સારવાર લીધી હતી. ફરીયાદીના પતિને (કોમા–બ્રેઈન–ડેડ)ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. પરંતુ ફરીયાદીના પતિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયેલ હતુ. ત્યારબાદ ક્લેઇમ માટે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોઇ પ્રક્રિયા કરવામાં આવી ન હતી.
જે બાબતે બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રજૂઆત કરવામાં આવી હતી. કમિશને તમામ દસ્તાવેજો અને આધાર પુરાવાઓની ખરાઈ કરી ઈન્સ્યોરન્સ કંપની દ્વારા જે કોમા સંબંધે અવલોકન કરી ફરીયાદીનો કલેઈમ નકારવામાં આવેલ તે પગલુ તદ્દન ગેરકાયદેસર, ગેરવ્યાજબી અને અન્યાયી હોવાનું માની ફરિયાદીની તરફેણમાં હુકમ કર્યો છે.
જે અન્વયે બનાસકાંઠા ગ્રાહક નિવારણ કમિશને ICICI lombard general insurance company Itd મુંબઈને ફરીયાદીના લોન એકાઉન્ટમાં રૂા.૧૬,૭૫,૦૭૦/- અરજી દાખલ કર્યાથી વસુલ આપે ત્યાં સુધી ૯ % ના સાદા વ્યાજ સહિત ચુકવી આપવાનો તેમજ ફરીયાદ ખર્ચ પેટે તેમજ માનસિક ત્રાસના રૂપિયા દસ હજાર પૂરા ચૂકવી આપવા તેવો હુકમ કર્યો છે. વધુમાં ઉપરોકત ખર્ચની તમામ રકમ એકાઉન્ટ પેઈ ચેકથી બે માસમાં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.