સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોનું આસ્થાનું પ્રતિક એટલે ઉમેદપુર દધાલિયા ખાતે બિરાજમાન સ્વયંભૂ ભગવાન શ્રી ખંડુજી મહાદેવ.કહેવાય છે કે જ્યારે ભક્તો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે ભગવાન ખંડુજી મહાદેવની માનતા માનવામાં આવે છે જેથી તેમના પર આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ માનતા પૂર્ણ કરવા ભક્તો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ખાતે ખંડુજી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડતાં હોય છે.સદીઓથી અહી મોટો લોક મેળો યોજાઇ છે.ત્યારે આ વર્ષે પણ ભાદરવા મહિનાના બીજા રવિવારે એટલે કે આવતા રવિવારે ભવ્ય મેળો ભરાશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તેમાં પણ સાબરકાંઠા,અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો લોકો વહેલી સવારથી ભગવાન શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે પહોચતા હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન મેળાની મજા માણતા હોય છે.આ વર્ષે 24 સપ્ટેમ્બરના રોજ યોજાનાર શ્રી ખંડુજી મહાદેવનાં મેળાને લઈ ઉમેદપુર ગામના લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.અને વધુ ભક્તો આવવાની શક્યતાઓને ધ્યાને લઈ વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે. આવનારા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ઉમેદપુર ગામના લોકો દ્વારા ચા પાણી સહિત નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથેજ મેળામાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કલાકારો દ્વારા અલગ અલગ પ્રકારના ભજન અને દેશી ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.ભક્તોને શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ મંદિર એટલે પશુપાલકો માટે આસ્થાનું કેન્દ્ર
ખેડૂતો અને પશુપાલકોમાં આ મેળા નું વિશેષ મહત્વ રહેલું છે,કારણ,કે જે કોઈ પશુપાલકના પશુ દૂધ આપવામાં ઉણું ઉતરતું લાગે અથવા તો કોઈ અન્ય પ્રકાર ની દુધાળા પશુઓ અંગે ની સમસ્યા ઉદભવે ત્યારે પશુપાલકો શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવની બાધા માનતા રાખતા હોય છે,કે જો તેનું પશુ સારું થઇ જશે તો ખંડુજી મહાદેવ મંદિરે મેળા દરમ્યાન પશુ ના પ્રથમ બનેલા ઘી માંથી બનેલી સુખડી ખંડુજી મહાદેવ ને ધરાવશે,અને તે માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉમેદપુર ગામે આ મેળામાં તેઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ઉમટી પડશે,સાથે સાથે જ અહીં એવી પણ પરમ્પરા છે,કે જે પરિવારને આ મંદિર ની બાધા હોય તે ઘરનો મુખ્ય વ્યક્તિ વહેલી સવારે ચાલતા આવે અને આ મંદિરે આવીને દાતણ કરે.આ પ્રકારે ખંડુજી મહાદેવ મંદિરે ભરાતા લોકમેળાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.રાજ્યનું આ એક માત્ર મહાદેવ મંદિર છે.જ્યાં શિવજીની શ્રાવણની સાથે ભાદરવામાં પણ વિશેષ પૂજા થાય છે અને તેને લઈ ભાદરવામાં પણ ખંડુજી મહાદેવની પૂજા માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે લોકોની માન્યતા છે કે ખંડુજી મહાદેવ સામે શિષ નમાવી માનતા માનવામાં આવે તો ભગવાન ખંડુજી મહાદેવ પૂર્ણ કરે છે એટલું જ નહિ મનુષ્યની સાથે પશુઓની સુખાકારી પણ જળવાય રહે છે