શહેરા
સમયની માંગ સાથે મિલેટ અનાજ અંગે લોકોમાં જનજાગૃતિ વધે તથા લોકો રોજીંદા જીવનમાં મિલેટ ધાન્યનો વપરાશ કરતા થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.મિલેટ અનાજો વિવિધ મિનરલથી ભરપૂર હોય છે, જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે.મિલેટ ધાન્યનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા સરકારશ્રી તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.કૃષિ મેળામાં વિધાનસભામા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દરેક ખેડૂત મિલેટ પાકોનું વાવેતર કરે તેમજ પ્રાકૃતિક કૃષિ તરફ વળી રસાયણોથી થતા રોગોથી બચવા માટે આહવાન કરી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત કૃષિ પેદાશોના વેચાણ માટે પંચામૃત ડેરીનો સંપર્ક કરવા ખેડૂતોને જણાવ્યું હતું.કાર્યક્રમમાં પાક સંરક્ષણ સાધનો, તાડપત્રી તેમજ વિવિધ યોજનાઓના પેમેન્ટ ઓર્ડર મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના બીજા ભાગમાં એજીઆર -૫૦ ટ્રેકટર સહાય યોજનાના લાભાર્થીઓ દ્વારા ખરીદેલ ટ્રેકટરોની ચકાસણી જીલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ ગોધરા,મદદનીશ ખેતી નિયામક ગુ.નિગમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાના વૈજ્ઞાનિકશ્રી કનુભાઈ પટેલ દ્વારા મકાઈની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ખેતીવાડી ખાતાની સહાય યોજના અને મિલેટ ધાન્યના મહત્વ અંગે લોકોને જાણકારી આપી હતી.આ કૃષિ મેળામાં શહેરા તાલુકા પ્રમુખ શ્રીમતી પુંજીબેન ચારણ,જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ, જિલ્લા અગ્રણીશ્રી જીગ્નેશભાઈ પાઠક, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી,એ.પી.એમ.સી ચેરમેન/વાઇસ ચેરમેનશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારી (ખેતી)બી.એમ.બારીયા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.